ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2017 (13:08 IST)

દેવગઢ બારિયા નજીક પિતા અને બે પુત્રીઓનું અપહરણ કરી ગેંગરેપ આચર્યો

ગુજરાતમાં હજી નલિયા કાંડ ઠંડો પડ્યો નથી અને તેના માટે તપાસ કમિટિ રચવામાં આવી હોવા છતાં ગુનેગારો બેફામ બન્યાં છે. ત્યારે ઉત્તરપ્રદેશને શરમાવે એવું કૃત્યુ ગુજરાતના દાહોદમાં ઘટ્યુ છે. બે સગીરાઓ અને તેના પિતાનું ખુલ્લેઆમ અપહરણ કરીને પિતા સામે બંને પુત્રીઓ ઉપર બળાત્કાર ગુજારવાનું હિચકારૂ કૃત્ય કરવામાં આવ્યુ છે. પોલીસે આ ઘટનામાં તાત્કાલિક પગલા લઈને પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દેવગઢ બારિયા નજીકના ગામમાં સ્થાનિક બુટલેગરે તેનું નામ પોલીસમાં આપનાર યુવકની બે બહેનો અને તેનાં પિતાનું અપહરણ કર્યું હતું. એટલું જ નહીં બુટલેગર સહિત પાંચ લોકોએ 15 અને 13 વર્ષની બન્ને કિશોરીઓ પર તેમના પિતાની નજર સામે પાશવી દુષ્કર્મ આચરીને ચાલુ જીપે રસ્તા પર ફેંકી દીધી હતી. ગુંડાઓએ 15 અને 13 વર્ષની કિશોરીઓ પર ચાલુ જીપે દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે બાદમાં બુટલેગર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. બુટલેગરોના પાશવી અત્યાચારનો ભોગ બનનાર બન્ને યુવતિઓના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.

ગુરૂવારે સવારે 9.30 વાગ્યે તેઓ પોતાની 15 અને 13 વર્ષની બે દીકરીઓ સાથે બેઠા હતા ત્યારે નજીકના ફાંગિયા ગામનો બુટલેગર ફુમતા ફતેસિંગ રાઠવા, ગોપસિંગ સબુર તથા 7 સાગરિતો ધસી આવ્યા હતા. તેમની સાથે બે મોટર સાઇકલ પર સવાર ચાર અન્ય સાગરિતો હતા.બુટલેગરોએ ‘દારૂના ગુનામાં પકડાયેલા તારા ભાઈએ અમારું નામ આપ્યું છે, જ્યાં સુધી મારું નામ કાઢે નહીં ત્યાં સુધી તમને છોડવાના નથી.’ એમ કહીને બન્ને કિશોરીઓને ઉપાડીને જીપમાં નાખી દીધી. તેમનાં પિતાએ બચાવવાનો પ્રયત્ન કરતા તેમને પણ મારમારીને જીપમાં નાખી દીધા હતાં. એ પછી બુટલેગર અને તેના સાગરિતોએ દસ કિલોમીટર સુધી ચાલુ જીપે બન્ને બહેનોએ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

15 વર્ષની કિશોરી પર ચાર જણે તથા તેની 13 વર્ષની બહેન પર બે જણે દુષ્કર્મ આચર્યું હતું. આઘાતજનક હકીકત એ છે કે ગુંડાઓએ પિતાની નજર સામે જ કિશોરીઓને કપડાં ફાડીને પીંખી નાખી હતી.ગુંડાઓએ બંદુકના નાળચે કિશોરીઓના પિતાને બાનમાં રાખ્યા હતા. કિશોરીઓના ગામના લોકો બચાવવા માટે પીછો કરતા હોવાથી માંડવા ગામ પાસે ગુંડાઓએ બન્ને કિશોરી અને તેમના પિતાને ફેંકીને ભાગી છૂટ્યા હતા. બાદમાં લોહી નીંગળતી હાલતમાં બન્ને બહેનોને દેવગઢ બારિયાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે એસપી મનોજ નિનામા તથા રેન્જ આઇજી અભય ચુડાસમા દેવગઢ બારિયા ધસી ગયા હતા. પોલીસે કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. તે  પૈકીના એક બુટલેગર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી.   
બે સગી બહેનો પર અપહરણ બાદ દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે ફાંગિયા ગામના કુમત ફતેસિંગ બારિયા, ગણપત ફતેસિંગ બારિયા, નરવત મગન બારિયા, સુરેશ કલ્યાણ બારિયા અને ગોપસિંગ ભેમા બારિયાની ધરપકડ કરી હતી. તેમની સાથે અન્ય કોણ-કોણ હતાં તે અંગેની પૂછપરછ શરૂ કરાઇ છે.

દેવગઢ બારિયા તાલુકાના ફાંગિયા ગામના કુમત રાઠવા સહિત 11 લોકોએ અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે આ 11 પૈકી ત્રણ યુવકો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેમાં મુખ્ય આરોપી કુમત સામે ભૂતકાળમાં લુંટ, સરકારી કર્મચારી ઉપર હુમલા અને દારૂની હેરાફેરીના પાંચેક ગુના નોંધાયા હતાં. આ ગુનાઓમાં એક-એક વર્ષ વોન્ટેડ રહ્યા બાદ તે પોલીસના હાથ લાગ્યો હતો. આ તમામ ગુનાઓમાં તે જામીન મુક્ત થયા બાદ ફરીથી પોતાના દારૂના ધંધામાં જોતરાઇ ગયો હતો. રીઢો આરોપી કુમતને 24 જ કલાકમાં હાથ લાગી જતાં પોલીસે પણ હાશ અનુભવી છે.