1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Disaster strikes as five weather systems become active in Gujarat: The entire city of Navsari has turned into a sea

ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતાં આફત: આખું નવસારી શહેર દરિયામાં ફેરવાયું, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક

navsari rain
navsari rain
 
ગુજરાત પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આજે 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ગાળામાં જ રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ અને નાનાપોંઢામાં 1.14 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આખું નવસારી શહેર દરિયામાં ફેરવાયું: ડ્રોન દ્રશ્યોમાં કંપારી છૂટે તેવી સ્થિતિ

નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને શહેરમાં પડેલા પાણીના કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સામે આવેલા નવસારીના ડ્રોન દ્રશ્યો જોતા એવું લાગે છે કે આખું શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું છે. અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને મોટા વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બનીને વહી રહ્યા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.


6 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ: પલસાણામાં સૌથી વધુ 18 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને 195 તાલુકાઓને નવડાવ્યા છે, જેમાં 6 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાનો પલસાણા તાલુકો આ ચોમાસામાં પાણી-પાણી થઈ ગયો છે, જ્યાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
 

જળાશયો છલકાયા: કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની 36 ટીમો તૈનાત

ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા જેટલા ભરાઈ ચૂક્યા છે. આ સ્થિતિને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર મુકાયા છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે અલગ-અલગ જિલ્લાઓમાં NDRF અને SDRFની કુલ 36 ટીમો તૈનાત કરી દેવાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક: સુરતના પૂર અંગે વિસ્તૃત સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વરસાદી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી ગંભીર સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માર્ગદર્શન અપાયું હતું. મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાના પ્રભારી સચિવોને પોતાના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા અને પ્રભારી મંત્રીઓને સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની કડક સૂચના આપી છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો
આગળનો લેખ
શું લોકો પાઇલટે સમોસા માટે ટ્રેન રોકી હતી? વાયરલ વીડિયો પર રેલવેએ નિવેદન આપ્યું