બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 ડિસેમ્બર 2025 (18:05 IST)

Mehsana Accident - હે ભગવાન આવો દિવસ કોઈ પિતાને ન જોવો પડે.. ટ્રક રિવર્સ લેવા દરમિયાન સાઈડ બતાવી રહેલ 19 વર્ષનો પુત્ર જ પિતાને હાથે કચડાયો

road accident
Mehsana Accident  -માતા પિતા બાળકોને ઉછેરવા તનતોડ મહેનત કરે છે. તેમની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરે છે અને એ જ બાળક જ્યારે યુવાન બન્યા પછી મૃત્યુ પામે અને એ પણ ભૂલથી પિતાને હાથે તો એ માતા પિતાની શુ હાલત થાય એ દરેક માતા-પિતા સમજી શકે છે. કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠે. પિતાની એક નાનકડી ભૂલ અને અકસ્માતને કારણે તેમના 19 વર્ષના વ્હાલસોયા દીકરાએ જીવ ગુમાવવો પડ્યો છે. જે પિતા પોતાના દીકરાના ભવિષ્ય માટે રાત-દિવસ મહેનત કરતા હતા, તેમના જ હાથે અજાણતા દીકરાનો ભોગ લેવાતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
 
પોતાની નજર સામે જ વહાલસોયા દીકરાને તડપતા જોઈ પિતા ભાંગી પડ્યા હતા. બુધવારની સવારનો સૂરજ પરિવારના વહાલસોયાના માથે કાળ બનીને ત્રાટક્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મૂળ રાજસ્થાનના બાડમેરના વતની દેવારામ ચૌધરી અને તેમનો 19 વર્ષીય દીકરો મુકનારામ ચૌધરી ટ્રક લઈને કડીના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલી ગ્રીનફિલ્ડ કંપનીમાં આવ્યા હતા. કંપનીના કામકાજ દરમિયાન પિતા દેવારામ ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા. આ સમયે 19 વર્ષનો દીકરો મુકનારામ પાછળ ઉભો રહીને પિતાને ટ્રક રિવર્સ લેવા માટે સાઈડ બતાવી રહ્યો હતો.
 
પોતાના જ હાથે દીકરાને કચડાયેલો જોઈ પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. જે દીકરો થોડીવાર પહેલા તેમની સાથે વાત કરતો હતો અને મદદ કરી રહ્યો હતો, તેની લાશ જોઈ પરિવારના સભ્યોના હૈયાફાટ રુદનથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ મામલે નંદાસણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
 
આ મામલે નંદાસણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરુણતા એ છે કે આ અકસ્માતમાં પિતા જ ફરિયાદી બન્યા છે અને પિતા વિરુદ્ધ જ બેદરકારીનો ગુનો નોંધાયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.