1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Former Gujarat minister, 8-time BJP MLA Yogesh Patel passes away at 79

વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન, PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

BJP MLA Yogesh Patel passes away
BJP MLA Yogesh Patel passes away
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના આઠ વખત સતત ચૂંટાયેલા ધારાસભ્ય અને ગુજરાતના વરિષ્ઠ રાજકારણી યોગેશ પટેલનું મંગળવારે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તબિયત વધુ બગડતાં બે દિવસ પહેલાં તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રીઓએ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલી

 
યોગેશ પટેલના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા તેમને એક 'અનન્ય સાથી અને લોકનેતા' ગણાવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ સહિતના અનેક રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા (X) ના માધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના દંડક બાલુ શુક્લ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અમેરિકાથી સંતાનો આવ્યા બાદ 4 જૂને યોજાશે અંતિમવિધિ

 
યોગેશ પટેલનો જન્મ 23 જુલાઈ, 1946ના રોજ થયો હતો. પરિવારજનોએ જણાવ્યા અનુસાર, તેમના પુત્ર અને પુત્રી હાલ અમેરિકા સ્થિત છે. તેઓ અમેરિકાથી વડોદરા પહોંચ્યા બાદ 4 જૂનના રોજ યોગેશ કાકાની અંતિમવિધિ કરવામાં આવશે. ત્યાં સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો ઉમટી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
 

રાવપુરાથી માંજલપુર સુધી સતત 8 ટર્મ અજેય રહેવાનો રેકોર્ડ

 
યોગેશ પટેલ ગુજરાતની રાજનીતિમાં એક અનોખું અને મજબૂત સ્થાન ધરાવતા હતા. તેમણે શરૂઆતના ગાળામાં રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત જીત મેળવીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. ત્યારબાદ સીમાંકન બદલાતા તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ વિજયકુચ ચાલુ રાખી. વર્ષ 1990થી લઈને છેલ્લે 2022ની ચૂંટણી સુધી તેઓ સતત આઠ ટર્મ સુધી અજેય રહ્યા હતા અને પૂર્વ સીએમ વિજય રૂપાણીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.
 

યોગેશ પટેલના અવસાનથી ગુજરાત વિધાનસભાની બેઠક ખાલી પડી

 
તેમના અવસાન સાથે ગુજરાત વિધાનસભાની એક બેઠક ફરી ખાલી પડી છે. નોંધનીય છે કે આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જ્યાં 5 મેના રોજ પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમાર વિજેતા બનતા સભ્ય સંખ્યા પૂર્ણ થઈ હતી. જોકે, તેના માત્ર 27 જ દિવસ બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત બની છે.
 

જનતાના 'કાકા': પ્રજાના પ્રશ્નો માટે પોતાની સરકાર સામે પણ લડ્યા

 
વડોદરાની જનતા તેમને પ્રેમથી ‘કાકા’ તરીકે ઓળખતી હતી. તેઓ નેતા કરતાં વધુ જનપ્રતિનિધિ તરીકે લોકપ્રિય હતા. શહેરના રસ્તા, પાણી, ડ્રેનેજ અને અન્ય પાયાની સુવિધાઓના પ્રશ્નોને લઈને તેઓ સતત સક્રિય રહેતા હતા. લોકહિતના મુદ્દાઓ પર વડોદરાના વિકાસ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ નિર્ભયપણે અવાજ ઉઠાવતા હતા અને મુખ્યમંત્રી કે મંત્રીઓને પત્ર લખીને રજૂઆતો કરવા માટે જાણીતા હતા.
 

કેદારનાથ ધામમાં 11 લાખ રુદ્રાક્ષ અર્પણ કરવાનો અધૂરો સંકલ્પ

 
રાજકીય જીવન ઉપરાંત યોગેશ કાકા તેમની પ્રખર ધાર્મિક આસ્થા માટે જાણીતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને તેમણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કેદારનાથ ધામ ખાતે 11 લાખ રુદ્રાક્ષ અર્પણ કરવાનો મોટો સંકલ્પ લીધો હતો. આ માટે ખાસ નેપાળથી રુદ્રાક્ષ મંગાવીને તૈયાર પણ કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ હવે તેમનો પરિવાર અને શિવ પરિવાર ભેગા મળીને આ અધૂરો સંકલ્પ પૂર્ણ કરશે.
 

ગુજરાત ભાજપે ગુમાવ્યો જમીની સ્તરનો લોકપ્રિય નેતા

 
યોગેશ પટેલના નિધનથી ગુજરાત ભાજપે એક વરિષ્ઠ, અનુભવી અને જમીની સ્તરના સનિષ્ઠ નેતા ગુમાવ્યા છે. સાદગીપૂર્ણ જીવન અને જનસેવાને વરેલા યોગેશ કાકાના લાંબા જાહેરજીવન, વિશિષ્ટ રાજકીય યોગદાન અને અદભુત જનસંપર્કને વડોદરા અને ગુજરાતની જનતા લાંબા સમય સુધી આદરપૂર્વક યાદ રાખશે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
Khan Sir Coaching Attack- પટણા કોચિંગ સેન્ટર પર ગોળીબાર કેમ અને કોણે કર્યો? ખાન ​​સર એ હુમલા અંગે શું કહ્યું?