સંબંધિત સમાચાર
- રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર
- ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર
- ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 : ધોરણ 1 થી 5 માં 11,000 જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે
- ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 : 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો 'માસ્ટર પ્લાન' તૈયાર
- ગુજરાત સરકારે 8 IPS અધિકારીઓને સોંપી સરહદની જવાબદારી: વાવ, પાટણ અને કચ્છ સરહદે બે દિવસીય સઘન સુરક્ષા કવાયત
શાળાઓમાં કિલ્લોલ: 54 હજાર સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
ઉનાળાની 35 દિવસની લાંબી રજાઓ પૂર્ણ થતાં જ આજથી સમગ્ર ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને કુલ 54 હજારથી વધુ શાળાઓ ફરી એકવાર વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી ઉઠશે. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે આજથી શિક્ષણની એક નવી અને ઉત્સાહભરી સફર શરૂ થઈ રહી છે.
નવા પુસ્તકો અને યુનિફોર્મ સાથે બાળકોમાં ભારે ઉત્સાહ
નવા શત્રને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેકેશનની મોજમસ્તી બાદ બાળકો નવા પુસ્તકો, નવી નોટબુક અને નવા યુનિફોર્મ સાથે શાળાના દ્વારે પહોંચ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં પણ સ્કૂલ બેગ, સ્ટેશનરી અને શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી, જે આજે શાળાઓ ખુલતાની સાથે જ સંપન્ન થઈ છે.
શૈક્ષણિક કેલેન્ડર: પ્રથમ સત્રમાં 120 અને બીજા સત્રમાં 124 દિવસનો અભ્યાસ
ચાલુ વર્ષના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, પ્રથમ સત્ર 8 જૂનથી શરૂ થઈને 4 નવેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ 120 દિવસ શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે. ત્યારબાદ દિવાળી વેકેશન પૂર્ણ થતાં 26 નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થશે, જે 2 મે સુધી ચાલશે અને તેમાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત કરાયું છે. આમ, સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વિવિધ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પણ લાભ મળશે.
ઓફલાઈન શિક્ષણ યથાવત પરંતુ પાઠ્યપુસ્તકોની અછતની ચિંતા
ગરમીના કારણે વેકેશન લંબાવવાની માંગ અને ઓનલાઈન શિક્ષણની અટકળો વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની તમામ શાળાઓ નિયમિત ઓફલાઈન પદ્ધતિથી જ શરૂ રહેશે. જોકે, નવા સત્રની શરૂઆતમાં કેટલાક માધ્યમો અને વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી પૂરેપૂરા ઉપલબ્ધ ન થતાં વાલીઓમાં ચિંતા છે. કાગળના પુરવઠાની વૈશ્વિક સમસ્યાને કારણે આ વિલંબ થયો હોવાનું મનાય છે, પરંતુ તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ તમામ પુસ્તકો પૂરા પાડવાની ખાતરી આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગ સામે શિક્ષકોની અછતનો મોટો પડકાર
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ શિક્ષણ વિભાગ સામે સૌથી મોટો પડકાર શિક્ષકોની ઘટનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણની ગુણવત્તા જાળવવી અઘરી બનશે. કેટલીક જગ્યાએ તો એક જ શિક્ષકને એકથી વધુ વર્ગો સંભાળવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિમાં શાળાઓ યોગ્ય રીતે ચાલે તે માટે નવી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવી એ સમયની મુખ્ય જરૂરિયાત છે.
