વલસાડમાં પૂર પીડિતો માટે રક્ષક બની ગુજરાત પોલીસ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો શેર કરી કરી પ્રશંસા
gujarat police
ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરે જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને વલસાડ, વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વિપરીત અસર જોવા મળી છે, જ્યાં અનેક વિસ્તારો સંપૂર્ણ જળમગ્ન થઈ ગયા છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સરકારી વિગતો મુજબ, પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે અને પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત તેમજ પુનર્વસનનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
પૂર વચ્ચે રાહત કાર્ય અને પોલીસના સાહસને નાયબ મુખ્યમંત્રીની સલામી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર દરમિયાન લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા ગુજરાત પોલીસના જવાનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે વલસાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ગોહિલ સહિતની આખી ટીમની હિંમત અને સાહસને બિરદાવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે વલસાડ પૂર દરમિયાન લોકોને બહાર કાઢવા, બાળકોને બચાવવા અને સમુદાયોને સુરક્ષિત રાખવા માટે પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, અને આપણી ઢાલ બનવા બદલ પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 25, 2026
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.#ProudOfGujaratPolice #Valsad #FloodRescue pic.twitter.com/EszMKyDUEp
ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક અને રાહત-પુનર્વસન કામગીરીની સમીક્ષા
સ્થિતિ ગંભીર બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે મોડી સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરવ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં હવે રાજ્ય સરકારનું તાત્કાલિક ધ્યાન બચાવ કામગીરીથી હટીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત, પુનર્વસન અને નુકસાનીના આંકલન તરફ કેન્દ્રિત થયું છે.
પૂરના કારણે 308 પશુઓના મોત અને નાણાકીય સહાયની શરૂઆત
બેઠક દરમિયાન અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રોકડ સહાય (કેશ ડોલ્સ) પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તેમજ ટૂંક સમયમાં ઘરગથ્થુ સમાન માટેની સહાય પણ ચૂકવવામાં આવશે. રજૂ કરાયેલા પ્રાથમિક અંદાજ મુજબ, તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે સમગ્ર ગુજરાતમાં કુલ 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી 42,158 લોકોને ખસેડીને આશ્રયસ્થાનોમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
