ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (18:12 IST)

ડાયરામાં નોટોનો વરસાદ કરનાર સાધ્વીને ત્યાં પોલીસની રેડ, 1.25 કરોડ રોકડા, બે પેટી દારૂ જપ્ત

પાલનપુર પાસે આવેલા વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના આશ્રમમાં પોલીસે દરોડો પાડતા રૂ. 1.25 કરોડ રોકડા,  2.5 કિલો સોનું અને બે પેટી વિદેશી દારૂની મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી સાધ્વીની ધરપકડ કરી છે. થોડા સમય પહેલાં જ આશ્રમમાં ચૌલક્રિયાના પ્રસંગ વખતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં સાધ્વીએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. 

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વડગામમાં ન્યુ જ્વેલર્સ નામનો ઘરેણાંનો શો રૂમ ધરાવતા વેપારી પાસેથી સાધ્વી જયશ્રીગીરીએ રૂપિયા 5 કરોડનું સોનું ખરીદ્યું હતું. આટલી મોટી કિંમતનું સોનું ખરીદ્યા બાદ જ્યારે વેપારીએ સાધ્વી પાસે પૈસાની માગણી કરતાં સાધ્વીએ ગલ્લાં-તલ્લાં કરી રૂપિયા આપ્યા ન હતા. વારંવારની ઉઘરાણી છતાં પોતાની રકમ ન મળતાં સોની વેપારીએ છેવટે પોલીસ ફરિયાદ કરી હતી. 

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી વડગામ ખાતે આવેલા મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીને ત્યાં છાપો માર્યો હતો. આશ્રમ પર પોલીસ ત્રાટકતાં લોકોનાં ટોળેટોળાં ભેગા થયાં હતાં. પોલીસે દરોડા દરમિયાન આશ્રમમાંથી 1.25 કરોડ રોકડા, 2.5 કિલો સોનું અને બે પેટી વિદેશી દારૂની કબજે કરી સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી હતી. જે સોનું પોલીસે આશ્રમમાંથી કબજે કર્યું છે તેમાં 100-100 ગ્રામના સોનાનાં બિસ્કિટો છે.

સાધ્વી જયશ્રીગીરીએ કરોડો રૂપિયાની છેતરપિંડી મુદ્દે તેમને મહામંડલેશ્વર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સાધુ સમાજની આંતરરાષ્ટ્રીય કમિટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. થોડા સમય પહેલાં જ આશ્રમમાં ચૌલક્રિયાના પ્રસંગ વખતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં પણ સાધ્વીએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. સાધ્વી જયશ્રીગીરીએ આટલી મોટી રકમ ક્યાંથી મેળવી તેમજ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી.