ગુજરાતની કોર્ટો પર બોમ્બનો ખતરો: વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ અને વડોદરાની શાળાઓ બાદ હવે રાજ્યની ન્યાયપાલિકાને નિશાન બનાવવામાં આવી છે. ગુજરાતની ત્રણ મહત્વની જિલ્લા અદાલતોને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
કઈ કોર્ટને ધમકી મળી?
વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટ ને અજાણ્યા શખ્સ દ્વારા ઈ મેલ પર કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી. ત્રણેય શહેરોમાં પોલીસ કાફલો, BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરામાં શાળાઓને મળેલી ધમકીની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર જિલ્લા કોર્ટને નિશાન બનાવાઈ છે. ઈ-મેલમાં પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કરાતા, પોલીસે પાર્કિંગમાં ઉભેલા તમામ વાહનો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા કોર્ટને પણ સમાન રીતે ધમકી મળતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી આખું કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને એન્ટ્રી પોઈન્ટ્સ સીલ કરી દેવાયા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરની જિલ્લા અદાલતને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલુ છે.
અગાઉ શાળાઓને પણ મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, સોમવારે જ વડોદરાની 17 શાળાઓ અને અમદાવાદની 15 શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. આ ધમકીઓમાં કારમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ હતો, જેને પગલે હજારો બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.