ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા ગુજરાત સરકારને ફટકારી નોટિસ
દૂષિત પાણી પીવાના કારણે ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં વધારો થવા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વતઃ નોંધ લીધી છે. પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગે ગાંધીનગરના ચોક્કસ વિસ્તારમાં ટાઇફોઇડના 70 સક્રિય કેસોની પુષ્ટિ કરી છે. માનવ અધિકાર પંચના જણાવ્યા અનુસાર, ટાઇફોઇડના કેસોમાં વધારાથી ગાંધીનગરમાં નવી નાખેલી પાણી પુરવઠા પાઇપલાઇનોમાં ગંભીર ખામીઓ બહાર આવી છે.
પાણીની પાઇપલાઇન નેટવર્કમાં સાત સ્થળોએ પાણી લીકેજ જોવા મળ્યું છે, જેના કારણે ગટર પાઇપલાઇન પીવાના પાણીની પાઇપલાઇનો સાથે જોડાઈ ગઈ છે. પંચે જણાવ્યું છે કે રિપોર્ટમાં આઉટડોર અને ઇનપેશન્ટ ટાઇફોઇડના દર્દીઓની વર્તમાન આરોગ્ય સ્થિતિ તેમજ આ ઘટના ફરી ન બને તે માટે લેવામાં આવેલા અથવા પ્રસ્તાવિત પગલાંનો પણ સમાવેશ થવો જોઈએ.
ગાંધીનગરમાં 8 જાન્યુઆરી ગુરુવારે ટાઈફોઈડના વધુ 14 નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સત્તાવાર રીતે ટાઈફોઈડના કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, બીજી તરફ પાણી અને ગટર લાઇનના લિકેજ શોધવામાં તંત્રની નિષ્ફળતા સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ 80 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની 85 ટીમોએ અત્યાર સુધીમાં 61,389 ઘરો અને આશરે 2.66 લાખની વસ્તીમાં સર્વેલન્સ હાથ ધર્યું છે