PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવશે. તેમના 2 દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ 10 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી યોજાનારા સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણી રજૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રસંગ "સોમનાથ સ્વાભિમાન પર્વ" હેઠળ એક વર્ષ લાંબા કાર્યક્રમની શરૂઆત કરશે.
વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે મોદી
10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.
1026ની ઘટનાનાં 1000 વર્ષ
પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.
કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન
સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દૃશ્યાત્મક રીતે અદભુત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના "ડ્રીમ પ્રોજેક્ટ" તરીકે જોવામાં આવે છે
"સોમનાથ સ્વાભિમાન પર્વ" એ શાશ્વત ચેતનાનો ઉત્સવ છે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, "સોમનાથ મંદિરની ગાથા વિનાશની ગાથા નથી. તે ભારત માતાના લાખો બાળકોના સ્વાભિમાનની ગાથા છે, જે છેલ્લા 1,000 વર્ષથી ચાલી આવી છે. તે ભારતના સ્વાભિમાનની અમર ગાથા છે, જે ક્યારેય અસત્ય સામે ઝૂક્યું નથી." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત, આ "સોમનાથ સ્વાભિમાન પર્વ" 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી આ શાશ્વત ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ રહેશે. આ આપણા બધા માટે ભારત માતાને ગૌરવના શિખર પર સ્થાપિત કરવા માટે ઐતિહાસિક પ્રતિજ્ઞા લેવાની તક હશે.
"સોમનાથ ફક્ત એક મંદિર નથી, પણ શ્રદ્ધાનું પ્રતીક છે"
ભાજપ પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજનો વિષય રાજકારણ સાથે સંબંધિત નથી, પરંતુ ભારતની ઓળખ, આત્મસન્માન, અસ્તિત્વ અને તેના ભવિષ્ય સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે દરેક દેશના ઇતિહાસમાં કેટલાક વળાંકો અને તારીખો હોય છે, જે પીડાદાયક હોઈ શકે છે, પરંતુ તેમને યાદ રાખવા મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.