હોળી અને રમઝાન પૂર્વે પોલીસ એક્શનમાં: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં રાત્રિ ફુટ પેટ્રોલિંગ
હોળી-ધૂળેટીના તહેવાર અને પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ હરકતમાં આવી છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો રસ્તા પર ઉતર્યો હતો. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નાઈટ વિઝન ડ્રોનથી સાંકડી ગલીઓનું મોનિટરિંગ
પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો હતો. ખાસ કરીને દાણીલીમડા અને ઈસનપુર જેવા વિસ્તારોમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. રમઝાન માસને કારણે મોડી રાત સુધી ધમધમતા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી જેથી ભીડભાડ વાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક કાર્યવાહી
તહેવારો ટાણે નશો કરીને વાહન ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-5 અને ઝોન-6 વિસ્તારમાં કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં દારૂ પીને વાહન ચલાવવાના (Drink & Drive) અંદાજે 30 જેટલા કેસ કરવામાં આવ્યા હતા અને નશાખોર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો ડીટેઈન
ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે પણ સપાટો બોલાવ્યો હતો. પ્રતિબંધિત કાળા કાચ (બ્લેક ફિલ્મ) લગાવેલી ગાડીઓમાંથી ફિલ્મ દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, નંબર પ્લેટ કે રજીસ્ટ્રેશન વિનાના ૧૭ જેટલા વાહન ચાલકો સામે કેસ કરી અંદાજે 27 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. કુલ 200 થી વધુ વાહનોનું સ્થળ પર જ સઘન ચેકિંગ કરાયું હતું.
ગુનેગારોમાં ફફડાટ: 100 થી વધુ પોલીસકર્મીઓની ફ્લેગમાર્ચ
હિસ્ટ્રી શીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે 100 થી વધુ પોલીસકર્મીઓએ વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી. ઝોન-5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, જ્યાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી ભેગી થાય છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રબારી કોલોની ચાર રસ્તા સહિતના મુખ્ય પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને તમામ શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી.