એપ્રિલ-મેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની શક્યતા: આજે ફાઈનલ મતદાર યાદી જાહેર, રાજકીય ગતિવિધિઓ તેજ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાતાં આજે (17 ફેબ્રુઆરી) રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી રહી છે. ભારતનું કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી બાદ આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મતદાર યાદી જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે અને વહીવટી તંત્ર સાથે રાજકીય પક્ષોએ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
રાજ્યમાં નવમી વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરાઈ હતી. છેલ્લે આ પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી. તા. 1 જાન્યુઆરી 2026ને લાયકાત તારીખ ધરીને આ વિશેષ પુનઃપરીક્ષણ હાથ ધરાયું હતું. 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધા મંગાવવામાં આવ્યા હતા અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
14.70 લાખથી વધુ અરજીઓ મળી
ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે.
ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજીઓ મળી.
ફોર્મ નં. 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજીઓ મળી.
ફોર્મ નં. 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજીઓ નોંધાઈ.
મતદાર યાદી જાહેર થયા બાદ એક મહિના સુધી વાંધા અરજી માટે સમય આપવામાં આવશે. ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ થયા પછી એપ્રિલના અંત અથવા મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદમાં ચૂંટણી તૈયારી તેજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 2026માં યોજાનારી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના તમામ 48 વોર્ડ માટે મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરાવવામાં આવશે, જેના માટે અંદાજે રૂ. 60 લાખનો ખર્ચ થશે. 23 ફેબ્રુઆરી સુધી ટેન્ડર ભરવાની અને 25 ફેબ્રુઆરીએ ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે.
10 માર્ચથી વહીવટદારોનું શાસન
AMCના હોદેદારોની ટર્મ 9 માર્ચે પૂર્ણ થશે. ત્યારબાદ 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલમાં આવશે. આગામી 2026-27ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના મતદારોના ફોટા, નામ અને સરનામા સહિતની સંપૂર્ણ વિગતો ધરાવતી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.
અંતિમ યાદી બાદ ચકાસણી
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર સુધારેલી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. વાંધા-સૂચનોને ધ્યાનમાં લઈને અંતિમ ચકાસણી બાદ ફાઈનલ યાદી પ્રસિદ્ધ થશે. AMCને એક મહિનામાં મતદાર યાદી ચકાસીને ચૂંટણી પંચને સુપરત કરવાની રહેશે.
મતદાર યાદી જાહેર થતાં જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. એપ્રિલ-મેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની શક્યતાએ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે અને ચૂંટણીની તૈયારીને લઈને બેઠક-મુલાકાતોનો દોર તેજ બન્યો છે.