1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Rajkot Municipality Builds 3 MRF Centers; Waste To Fertilizer Project

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

swachhata abhiyan rajkot
swachhata abhiyan rajkot
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે રાજકોટે જોરદાર હનુમાન કુદકો લગાવીને 39મા ક્રમેથી સીધો 19મો ક્રમ મેળવ્યો હતો. હવે આગામી મહિનાઓમાં નવા સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકોટને દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન અપાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કમર કસી છે. આ માટે શહેરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના કડક અમલીકરણ સાથે કચરાના યોગ્ય પ્રોસેસિંગ દ્વારા લેન્ડફિલ સાઇટ પર ઝીરો વેસ્ટ જાય તે દિશામાં નક્કર કામગીરી શરૂ કરાઈ છે.

રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

 
રાજકોટ શહેરમાં દૈનિક ઉત્પન્ન થતા આશરે 800 મેટ્રિક ટન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે રૂ.17 કરોડ 70 લાખના અંદાજિત ખર્ચે 3 જુદા-જુદા સ્થળોએ MRF (મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટરો બનાવવામાં આવ્યા છે. આ પૈકી કોઠારિયા અને કેએસડી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતેના બે સેન્ટરો સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, જ્યારે રૈયાધાર ખાતે ત્રીજા સેન્ટરની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ ત્રણેય સેન્ટરોની વ્યક્તિગત ક્ષમતા 150-150 મેટ્રિક ટનની રહેશે, જેનાથી દૈનિક કુલ 450 મેટ્રિક ટન સૂકો કચરો પ્રોસેસ કરી શકાશે.
 

પ્લાસ્ટિક-કાચનું વર્ગીકરણ અને ટ્રોમેલ મશીનરીનો ઉપયોગ

 
MRF સેન્ટરનો મુખ્ય ફાયદો એ થશે કે શહેરમાંથી એકઠા થતા કચરામાંથી રિસાયકલ અને રીયુઝ થઈ શકે તેવી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, કાચ અને પૂંઠાં વગેરેને અલગ તારવવામાં આવશે. આ કામગીરી માટે સેન્ટરો પર અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા ત્રણ પ્રકારના ટ્રોમેલ મશીનો વસાવવામાં આવ્યા છે. આ મશીનોમાં 60 mm અને 100 mm સાઇઝના ફિલ્ટર્સ હોવાથી તે સૂકા કચરાનું ચોક્કસ વર્ગીકરણ કરીને કિંમતી સ્ક્રેપ સામગ્રીને રિકવર કરશે, જેના કારણે નાકરાવાડી લેન્ડફિલ સાઇટ પર કચરાનું ભારણ ખૂબ જ ઘટી જશે.
 

નાકરાવાડી ખાતે 'વેસ્ટ ટુ કમ્પોસ્ટ' પ્લાન્ટનું નિર્માણ

 
સૂકો કચરો અલગ થયા બાદ બચેલા ભીના કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે. ભીનો કચરો સરળતાથી કોહવાઈ શકે તેવો હોવાથી તેને સીધો જ નાકરાવાડી ખાતે ટ્રાન્સફર કરાશે, જ્યાં 250 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો 'વેસ્ટ ટુ કમ્પોસ્ટ' (કચરામાંથી ખાતર) પ્લાન્ટ પૂરજોશમાં બની રહ્યો છે. શહેરમાં જનરેટ થતા 800 મેટ્રિક ટન કચરામાંથી 450 મેટ્રિક ટન સૂકો કચરો MRF સેન્ટર ખાતે જશે અને બાકી રહેતા કચરામાંથી 250 મેટ્રિક ટન કચરાનો ઉપયોગ આ પ્લાન્ટમાં ખાતર બનાવવા માટે થશે.

અદાણી ગ્રીન્સ કંપની દ્વારા સ્થપાશે અદ્યતન CBG પ્લાન્ટ

વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલના આધારે નાકરાવાડી ખાતે એક અદ્યતન CBG (કમ્પ્રેસ્ડ બાયો ગેસ) પ્લાન્ટ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અદાણી ગ્રીન્સ કંપનીને સોંપવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ એગ્રીમેન્ટ સ્ટેજ પર છે અને કંપની સાથેના સત્તાવાર કરાર પૂર્ણ થયા બાદ ત્યાં અન્ય 250 મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતો બાયો ગેસ પ્લાન્ટ આકાર લેશે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.