બોર્ડ પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ વિભાગની ખાસ પહેલ, તૈયાર થઈ ‘પરીક્ષા સહાયક’ પુસ્તિકા
અમદાવાદ: આવતા 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે સાથે થોડી ગભરાટ પણ જોવા મળે છે. ખાસ કરીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવાની હડબડમાં અનેક વખત વિદ્યાર્થીઓ મોડા પડી જતા હોય છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે અનોખી પહેલ કરી છે.
વિદ્યાર્થીઓને સરળતા રહે તે હેતુસર જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષા સહાયક પુસ્તિકા તૈયાર કરી છે. આ પુસ્તિકા દ્વારા હવે વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિકમાં પોતાના પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ લોકેશન જાણી શકશે, જેથી સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકાય.
રાજ્યભરમાંથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ પુસ્તિકા માર્ગદર્શિકા રૂપે ઉપયોગી સાબિત થશે.
આ પુસ્તિકામાં પરીક્ષા કેન્દ્રના સંચાલકોના નામ, સરનામા અને મોબાઇલ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી સામેલ કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ શહેર, જિલ્લા અને રાજ્ય સરકારના બોર્ડ પરીક્ષાના હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા સર્જાય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરની માહિતી પણ પુસ્તિકામાં ઉપલબ્ધ છે. આમ, બોર્ડ પરીક્ષાર્થીઓને તણાવમુક્ત અને સુવ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગે આ વ્યવસ્થા ઉભી કરી છે.