સંસારના સત્યો બદલાતા રહે છે, પણ આત્મતત્વનું સત્ય ક્યારેય બદલાતું નથીઃ પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા

Bhupendrabhai Pandya
Last Modified મંગળવાર, 20 જુલાઈ 2021 (21:11 IST)
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડયાના શ્રીમુખે સ્વ. શીલાબેન મોદીના શ્રેયાર્થે યોજવામાં આવેલી શ્રીમદ્ ભાગવત કથાના દ્વિતીય દિવસે પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે ભાગવતજીથી વ્યક્તિનું ઉત્થાન થાય છે. એ ફક્ત વાર્તાઓ નથી. મનુષ્ય માત્રના જીવનના નિર્ણય લેવાના બે આધાર હોય છે. (1) હૃદય (2) બુદ્ધિ. આ બે આધારો વડે જ મનુષ્ય પોતાના નિર્ણય લેતાં હોય છે. પરંતુ ક્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, અને ક્યાં સંવેદનાનો ઉપયોગ કરવાનો છે, તેની ખબર ત્યારે જ પડે, જ્યારે વ્યક્તિમાં વિવેક હોય. અને આ વિવેક આપણને શ્રીમદ ભાગવતમાંથી મળે છે. ઘણાં બધાં બુદ્ધિમાન પુરુષોનું પણ કહેવું છે કે સંસાર સાથેના વ્યવહાર નિભાવો, તો બુદ્ધિથી નિભાવો પરંતુ પરિવાર, પરમેશ્વર કે જેને આપણે પ્રેમ કરીએ છીએ ત્યાં હૃદયની લાગણીથી વ્યવહાર કરવો.
જ્યાં કાપવાનું છે, ત્યાં કાતર જોઈશે. અને જ્યાં સાંધવાનું છે, ત્યાં સોયની જ જરૂર પડશે. શ્રીમદ ભાગવત એ એક જ્ઞાનયજ્ઞ છે, દૃવ્યયજ્ઞ, જપયજ્ઞ, તપયજ્ઞ, જ્ઞાનયજ્ઞ આ બધાંનો સમન્વય છે શ્રીમદ ભાગવત! જેમ કૈલાસ એ શીવજીનું સ્થાન છે, એમ ભાગવતી ગંગા શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે.

માણસમાં રહેલી બ્રહ્મોજજ્ઞાનાનો સાર છે શ્રીમદ ભાગવત. એનો પ્રથમ શ્લોક જ આખા ભાગવતનો સાર છે. ‘સત્યં પરં ધિમહી’ સંસારના સત્યો બદલાતા રહે છે, પણ આપણાં ક્યારેય બદલાતું નથી. અને એ જ છે, ‘પરમ સત્ય’, અને આ પરમસત્યને ભક્તિ-પ્રેમ વડે જાણી શકાય. પરંતુ અત્યારે ધર્મ પર જ પ્રહાર થાય છે અને એ જ કલયુગ છે. જેનો જન્મ થયો છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. તો દરેકે પોતાના મૃત્યુની તૈયારી કરવી જોઈએ.
પરમતત્વ સાથે જોડાવા યોગની જરૂર છે. યોગ युज- જોડાણ... બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ થઈ સમાધિ (બ્રહ્મજોડાણ) સુધી પહોંચી શકાય છે. સમાધિ એ જ્ઞાનનું શિખર છે. સત્યં પરં ધિમહી. શરૂઆત દરેક મનુષ્યની અલગ અલગ રસ્તાથી થાય છે, પણ છેલ્લે પહોંચે છે. સમાધિ સુધી – બ્રહ્મનું જોડાણ એને જ કહેવાય. પૂર્ણ સત્યમાં વિલિન થઈ જવું.

શ્રીમદ ભાગવત એ રસનો આલય છે, જ્યાં સુધી જીવનનો લય નથી જતો ત્યાં સુધી શ્રીમદ ભાગવત રૂપી રસ પીતા રહેવો અને તે પણ વારંવાર. ત્યારબાદ પૂ.જી. ભૂપેન્દ્ર પંડ્યાજીએ શૌનકઋષિએ સુતજીને પૂછેલાં છ મુખ્ય પ્રશ્નો વિશે જણાવ્યું.


આ પણ વાંચો :