1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (08:23 IST)

દાહોદના ગરબાડામાં આમલી અગિયારસે ભીમકુંડ ખાતે અસ્થિ વિસર્જનની અનોખી પરંપરા

આમલકી એકાદશી

દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં ભીલ સમાજમાં આમલી અગિયારસનો વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જોવા મળે છે. હોળી પહેલા આવતી ફાગણ સુદ અગિયારસના દિવસે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરવામાં આવે છે.

ભીલ સમાજમાં પ્રચલિત પરંપરા અનુસાર, મૃત્યુ પછી બારમા-તેરમા દિવસે અસ્થિ વિસર્જન કરવાની પ્રથા નથી. તેના બદલે, સ્વજનની અસ્થિઓને ખેતરમાં, ઘરઆંગણે અથવા ઝાડ નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં સંગ્રહ કરવામાં આવે છે. સ્ત્રીની અસ્થિઓ લાલ કપડામાં અને પુરુષની અસ્થિઓ સફેદ કપડામાં બાંધીને યાદગાર રીતે દાટી દેવામાં આવે છે.'

ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા

હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે આ અસ્થીઓને ધોઈ તેની પુજા કરે છે. પુજા-વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે. રામ ડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા છે. દેવોનો વાસ હોવાથી સ્વજનોને મોક્ષ મળવાની માન્યતા છે. હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે.

પ્રાચીન સમયમાં પાંડવો આ સ્થળે આવ્યા હોવાની પણ વાયકા

સ્થાનિક ભીલ સમાજમાં એવી પણ માન્યતા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં પાંડવો આ સ્થળે આવ્યા હતા. અહીં પાંચ કુંડ આવેલા હોવાનું કહેવાય છે, જેના કારણે આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. સમાજના લોકોનો વિશ્વાસ છે કે અહીં દેવોનો વાસ છે અને ભીમકુંડ ખાતે અસ્થિ વિસર્જન કરવાથી મૃત આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે.

અસ્થિ વિસર્જન માટે આમલી અગિયારસના દિવસે વહેલી સવારથી જ રામડુંગરા સ્થિત ભીમકુંડ ખાતે ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઢોલ-નગારા વગાડતા અને પોતાની પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર તેઓ સ્વજનોની અસ્થિઓ પધરાવી શ્રદ્ધાંજલિ અર્પે છે.