સંબંધિત સમાચાર
- પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી વિનાશ
- વડોદરા શહેરમાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી
- ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના શહેરોમાં હાલાકી
- ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના આકરા નિયમો, ૩ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને 'નો ટિકિટ'
રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
ગુજરાતમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ, તેમજ સુરત, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદની પાસપોર્ટ તથા પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ગંભીર ધમકીને પગલે પોલીસ, બોમ્બ-ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાના ભાગરૂપે તમામ સંકુલોને ખાલી કરાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
સુરતમાં સાયનાઈડ બોમ્બ અને 2૦૦૦ કરોડના ડ્રગ્સ રેકેટનો ચોંકાવનારો ઉલ્લેખ
સુરતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને મળેલા ઈ-મેઈલમાં અત્યંત ગંભીર દાવાઓ કરવામાં આવ્યા છે. સવારે 8:49 વાગ્યે આવેલા આ મેઈલમાં કચેરીમાં સાયનાઈડ ગેસ ભરેલા ૫ IED બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી અને બપોરે 1:10 સુધીમાં નાક-મોં ઢાંકીને ઓફિસ ખાલી કરવા જણાવાયું હતું. વધુમાં, આ મેઈલમાં ૨૦૦૦ કરોડના ડ્રગ્સ કેસને માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવીને, તે નાણાંનો ઉપયોગ ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે થતો હોવાનો સનસનીખેજ દાવો કરાયો છે.
'મદ્રાસ ટાઈગર્સ'ના નામે મેઈલ અને અફવા ન હોવાની ખુલ્લી ચેતવણી
આ ધમકીભર્યો ઈ-મેઈલ '[email protected]' નામના આઈડી પરથી આવ્યો છે, જેમાં મોકલનારનું સરનામું કોઈમ્બતુરના 'મદ્રાસ ટાઈગર્સ' તરીકે દર્શાવવામાં આવ્યું છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ કોઈ અફવા (Hoax) નથી અને અગાઉ મોકલાયેલા મેઈલ માત્ર ગુજરાત પોલીસ અને ATSનો 'રિસ્પોન્સ ટાઈમ' ચકાસવા માટે જ હતા. મેઈલમાં દાવો કરાયો છે કે આ સંગઠન અલ-બદર અને તાલિબાન જેવી વિચારધારા ધરાવે છે અને દેશમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.
ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ અને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પાસપોર્ટ ઓફિસ દ્વારા તાત્કાલિક પોલીસ કમિશનર, વિદેશ મંત્રાલય અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. BDDS ની ટીમે અત્યાધુનિક સાધનો વડે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે, જ્યારે સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા મેઈલ મોકલનારનું IP એડ્રેસ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ કોઈ વાસ્તવિક આતંકી ષડયંત્ર છે કે પછી માત્ર કોઈનું પબ્લિસિટી સ્ટંટ.
