શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : બુધવાર, 3 ઑગસ્ટ 2016 (13:46 IST)

શિવમહાપુરાણ - શ્રાવણ માસ દરમિયાન એક વખત વાંચવું જોઇએ

શિવમહાપુરાણમાં લખ્યું છે કે, "શિવને માનનારા શિવભક્તે તેના જીવનમાં શ્રાવણ માસ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ વાંચવું જોઇએ. આખું મહાપુરાણ વાંચી ન શકાય તો શક્ય એટલા અધ્યાય પણ અવશ્ય વાંચવા જ જોઇએ." શ્રદ્ધાળુઓ અને તેમાંય શિવભક્તો શ્રાવણ માસ આવતાં જ પરમ પિતા પરમેશ્વર શિવની આરાધનામાં અને ભક્તિમાં તરબોળ થઇ જાય છે. ઠેરઠેર શિવપૂજા, બીલીપત્ર, ધૂન, કથા, આખ્યાન, શિવપુરાણનું વાચન વગેરે થતાં જોવા મળે છે. પ્રત્યેક શિવાલયોમાં શિવજીની પૂજા અર્ચના થતી અવશ્ય જોવા મળે છે. પછી ભલે તે નાનું શિવાલય હોય કે મોટું શિવાલય.

માતા પિતા, વડીલો પોતાના સંતાનો ભક્તિભાવવાળા થાય તે માટે પુરાણો, મહાપુરાણો, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો વસાવે છે, પરંતુ સમયાભાવ તથા વાંચવાની આળસને કારણે આ બધા ધર્મગ્રંથો કબાટની શોભા થઇ પડે છે. અંતે ધૂળ ખાય છે.
શિવમહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે. જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે. કલિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે શિવમહાપુરાણથી ઉત્તમ બીજું કાંઇ નથી. જેના ગત જન્મના કોઇ પુણ્ય સંચયમાં હોય અને તે ઉદય પામતાં હોય તેને જ શિવમહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે. જેમ જીવનમાં માત્ર ત્રણ વખત શિવ શિવ શિવ બોલનારનો મોક્ષ થાય છે તેમ શિવમહાપુરાણનો ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કરેલા કેટલાંક ક્ષુલ્લક પાપ નષ્ટ થાય છે. શિવમહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપરહિત થાય છે. તે મનુષ્ય આ જન્મમાં ખૂબ ભોગ ભોગવે છે અને અંતે શિવલોકમાં જઇ શિવસાયુજ્ય પ્રાપ્ત કરે છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ કર્યાથી જે ફળ મળે છે તે ફળ માત્ર શિવપુરાણનું માહાત્મ્ય સાંભળવાથી કે વાંચવાથી મળે છે.

જે મનુષ્ય શિવમહાપુરાણરૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેમને મનુષ્ય ન સમજતાં ખરેખર રુદ્ર સમજવાં જોઇએ. જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણમાત્રમાં પાર કરી જાય છે. સર્વ પ્રકારનાં દાન અને યજ્ઞોનું ફળ મળે છે તે સર્વ પુણ્યમાત્ર શિવમહાપુરાણ સાંભળવાથી જ મળે છે. મુક્તિ મેળવવાની ઇચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઇચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઇએ. શિવમહાપુરાણમાં ૨૪,૦૦૦ શ્લોક છે. સાત સંહિતા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે. આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઇ સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે. દરેક મનુષ્યે જીવનમાં એક વખત શિવમહાપુરાણ 
વાંચવું જોઇએ. શક્ય ન હોય તો સાંભળવું જોઇએ. કોઇ પણ ભાવ વગર માત્ર કથા સાંભળવાથી દેવરાજનો મોક્ષ થયો. ખરેખર શિવમહાપુરાણ ખૂબ અદ્ભુત છે. જો કોઇ મનુષ્ય પોતાના જીવન દરમિયાન ત્રણ વખત રુદ્ર રુદ્ર રુદ્ર બોલે તો તેનો શિવસાયુજ્ય મોક્ષ થાય છે. આવા મનુષ્યને બીજી વખત જન્મ લેવો પડતો નથી. આવા મનુષ્ય ભગવાન શિવના કૈલાસધામમાં તેમના પરમપ્રિય શિવગણ બનીને ભગવાન શિવ પરિવારનો પૂજા કરવાનો મોકો મળે છે. જો ફક્ત ત્રણ વખત શિવ શિવ શિવ અથવા રુદ્ર રુદ્ર રુદ્ર બોલવાથી આટલો ફાયદો થતો હોય તો ભગવાન શિવની સાથે રહી તેમની પૂજા અર્ચના કરનારને બીજું શું જોઇએ?