શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વેબ દુનિયા|

હું મારી જાતને અપમાનિત થયેલી અનુભવું છુ - સાનિયા

P.R
લંડન ઓલિમ્પિક માટે વાઇલ્ડ કાર્ડ મેળવનારી સાનિયા મિર્ઝાએ અખિલ ભારતીય ટેનિસ સંઘ(એઆઇટીએ) પર નિશાન તાક્યું છે. સાનિયાએ કહ્યું છે કે, તેને ડબલ્સમાં લિએન્ડર પેસ સાથે જોડી બનાવવામાં કોઇ વાંધો નથી પણ પસંદગી સંબંધિત વિવાદમાં એઆઇટીએ જે રીતે તેનો ઉપયોગ કરી રહ્યું છે તેનાથી તે દુઃખી છે.

મહિલા ડબલ્સમાં રશ્મિ ચક્રવર્તી સાથે વાઇલ્ડ કાર્ડ મળ્યા બાદ સાનિયાએ એક નિવેદનમાં કહ્યું કે, જો કે તે મહેશ ભૂપતિ સાથે જોડી બનાવવાને પ્રાથમિકતા આપે છે પણ દેશહિતમાં પેસ સાથે રમવા પણ તૈયાર છે. તેણે કહ્યું કે, ર૧મી સદીની મહિલા હોવાના નાતે આ આખા વિવાદમાં હું મારી જાતને અપમાનિત થયેલી અનુભવું છું.

ભારતીય ટેનિસના એક દિગ્ગજ ખેલાડી સાથે સંકળાયેલા વિવાદનો હલ લાવવા માટે મને જે રીતે દાવ પર લગાવવામાં આવી રહી છે તેની સામે મને સખત વાંધો છે. રપ વર્ષીય આ મહિલા ટેનિસ ખેલાડીએ લિએન્ડર પેસના પિતા ડો.વેસ પેસની પણ આકરી ટીકા કરી છે. વેસે સાનિયાને લિએન્ડર સાથે જોડી બનાવીને રમવા માટે લેખિત વાયદો કરવા કહ્યું હતું.

આ અંગે સાનિયાએ કહ્યું કે, પેસના પિતાએ મને પેસ સાથે રમવાનો લેખિત વાયદો કરવા કહ્યું હતું. પણ હું એ સ્પષ્‍ટ શબ્દોમાં કહેવા માગું છું કે મારી નિષ્‍ઠા મારા દેશ પ્રત્યે છે, પેસ પ્રત્યે નહીં. દેશ માટે હું લિએન્ડર, ભૂ‍પતિ, બોપન્ના, સોમદેવ કે કોઇપણ સાથે રમવા માટે તૈયાર છું.