શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By કલ્યાણી દેશમુખ|

કયા લઈ જશે આપણને આ સીરિયલો ?

N.D
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માણસને કોઈ વાતની લત લાગી જાય તો તેને છોડવવી મુશ્કેલ થઈ જાય છે. પણ જો આ લતની અસર આપણા જીવન પર પડે તો તેને છોડવી જ હિતકારક છે. અહી હુ વાત કરુ છુ આજકાલ સ્ત્રીઓને લાગેલી એક નવી લત - ટીવી સીરિયલની. સાંજ પડે એટલે જલ્દી-જલ્દી જમવાનુ કરીને ફ્રી થવાનુ, બાળકોનો અભ્યાસ પણ એ સમય પૂરતો ટાળી દેવાનો, કંઈ બહાર જવાનુ હોય તો પહેલા જોઈ લેવાનુ કે સીરિયલ શરૂ થતા પહેલા તો આવી જવાશે કે કેમ ? સીરિયલ દરમિયાન કોઈ આગંતુક આવી જાય તો મોઢુ ચઢાવી લેવાનુ. આ બધી વાતો આજે સામાન્ય થતી જોવા મળી રહી છે.

શુ સ્ત્રીઓ આજે એટલી કમજોર છે કે સીરિયલ પણ મિસ કરવાનુ દુ:ખ સહન નથી કરી શકતી ? આપણે માનીએ છીએ કે દિવસભરમાં થાકેલી સ્ત્રીઓ પોતાનુ મનોરંજન કરવા માટે ટીવી જુએ છે, પણ આજકાલની આ સીરિયલો મનોરંજન કરવાને બદલે સ્ત્રીઓનુ પતન કરી રહી છે. આપણી બાળ લગ્નપ્રથા વિસરાવવાના આડે આવીને ઉભી હતી પરંતુ 'બાલિકા વધુ' નામની સીરિયલે આવીને લોકોને આની યાદ અપાવી, અને લોકો ફરી તે અજમાવવાનુ વિચારવા માંડ્યા.
આપણે પુત્ર-પુત્રીનો ભેદ ભૂલી જવા માંડ્યા હતા પરંતુ 'ન આના ઈસ દેશ મેરી લાડો' નામની સીરિયલે લોકોને એવુ વિચારવા મજબૂર કર્યા કે છોકરીઓની ભ્રૂણ હત્યા એ તો આજેપણ લોકો કરે છે, અને આમા કશુ ખરાબ નથી. એ સીરિયલમાં સ્ત્રીઓ પર એટલા અત્યાચાર થતા બતાવાયા કે લોકો એવુ સમજવા માંડ્યા કે ખરેખર છોકરીઓને આ દુનિયામાં જન્મ ન લેવો જોઈએ, તેથી લોકો વધુ કન્યા ભ્રૂણ હત્યા કરવા માંડ્યા. આ સીરિયલો ક્યારેક આપણને કોઈ સંદેશ કહેવા માટે બનાવાઈ છે એવુ બતાવાય છે પરંતુ જ્યારે તેનુ નાટકીય રૂપાંતર જોવા જઈએ તો એવુ લાગે છે કે આ સીરિયલો ખરેખર તેના મૂળ મુદ્દાથી દૂર જઈ રહી છે.

'ગોદભરાઈ' જેવી સીરિયલો બતાવી રહી છે કે જે સ્ત્રીઓને બાળક ન હોય તે સ્ત્રી અપશુકનિયાળ છે, તેથી તેને કોઈ બીજી પ્રેગનેંટ સ્ત્રીનો ખોળો ભરવાનો કોઈ અધિકાર નથી. શુ આ યોગ્ય છે ? સ્ત્રી મા નહી બની શકે તેનો બધો જ દોષ માત્ર સ્ત્રીનો જ હોય છે. આવી સીરિયલ જોતી વખતે જે સ્ત્રી ખરેખર મા નથી બની શકતી કે જેના ઘર-આંગણે ઈશ્વરે કોઈ બાળક રમતુ નથી મુક્યુ તેને દિલ પર શુ વીતતી હશે, એ સીરિયલ બનાવવાવાળા કદી વિચારે છે ખરા ? ભલે સીરિયલ બનાવવાળાઓનુ લક્ષ્ય લોકોને જાગૃત કરવાનુ હોય પણ લોકો જાગૃત તો થશે કે નહી એની તો ગેરંટી નથી પરંતુ હા એકવાતની ગેરંટી જરૂર છે કે લોકો એ તરફ વધુ ધ્યાન આપશે કે કંઈ સ્ત્રીને હજુ સુધી મા નથી બની શકી, અને તેને પોતાની ઘરે શુભ પ્રસંગોથી દૂર રાખવી.

એટલુ જ નહી સીરિયલો જોઈને તો પતિ-પત્નીના સંબંધો પણ શંકાના વમળમાં અટવાઈ રહ્યા છે. સીરિયલમાં મોટાભાગે એવુ બતાવવામાં આવે છે કે પરણેલા પુરૂષનુ તેના ઓફિસની કોઈ યુવતી સાથે ચક્કર હોય છે, તેના કારણે પતિ જરાક મોડા આવે તો પત્નીના મગજમાં એવો વિચાર નહી આવે કે - કોઈ મુસીબતમાં તો નથી ને ? ઓફિસમાં વધુ કામ આવી ગયુ હશે, હા એવો વિચાર જરૂર આવશે કે કોઈ છોકરીના ચક્કરમાં તો નથી ને ? આવી શંકામાં ફસાયેલી સ્ત્રીઓ ઘણીવાર પતિ વિરુધ્ધ ઈંકવાયરી પણ કરી નાખે છે. સીરિયલો જોઈને આદર્શ વહુ બનવાનુ તો કોઈ સ્ત્રીનુ ગજુ નથી હોતુ હા, તે સીરિયલો જોઈને સાસરીયામાં અને પિયરમાં પોતાના અધિકાર માંગતી જરૂર થઈ જાય છે. સાસરિયુ ગમે તેટલુ સારુ કેમ ન હોય તેને એવુ જ લાગે છે કે તે ખૂબ જ દુ:ખી છે. ઘણી સ્ત્રીઓને ઘરમાં સાસુ-સસરા કાંટા જેવા લાગે છે, અને તે જલ્દી મિલકતના ભાગ પડાવવા પોતાના પતિને મજબૂર કરે છે.

શુ સ્ત્રીઓ ક્યારેય એવુ વિચારે છે કે આ સીરિયલોએ સ્ત્રીનુ ચરિત્રને ક્યાંથી ક્યા પહોંચાડી દીધુ છે. સીરિયલોએ સ્ત્રીને જ સ્ત્રીની દુશ્મન બતાવી છે. 'ઉતરન'માં એક યુવતી તપસ્યા જ બીજી યુવતી ઈચ્છાની જીંદગી બરબાદ કરી રહી છે, 'ન આના ઈસ દેશ મેરી લાડો'માં અમ્માજી બનેલી સ્ત્રી જ ઘરની અન્ય સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે. કંઈ સીરિયલ એવી છે જેમાં એક સ્ત્રી અન્ય સ્ત્રીને બરબાદ નથી કરતી. શુ કામ આજે આવી સીરિયલો બનાવવામાં આવી રહી છે. સ્ત્રીઓના મગજમાં આજે પણ કામ કરતા, કે બીજા જોડે ચર્ચા કરતા આ જ સીરિયલ ફરતી રહે છે. વારંવાર આવી સીરિયલો જોવાને કારણે તેમના વ્યવ્હારમાં પણ એ પ્રકારનુ વર્તન આવી જાય છે.

N.D
આજે આપણે વિકાસના માર્ગ પર ઘણા આગળ નીકળી ગયા છે તો શા માટે આવી સીરિયલો બનાવીને લોકોના મગજને દૂષિત કરવામાં આવી રહ્યુ છે ? એ વાત સાચી કે દેશના કેટલાક ભાગમાં હજુ પણ આવી સ્થિતિ હશે પણ શુ તેને અન્ય રીતે ન બતાવી શકાય ? એવી સીરિયલો બનાવો જેનાથી એક સ્ત્રી બીજી સ્ત્રીની મિત્ર બને. કારણ કે સ્ત્રી આપણા સમાજનુ મહત્વનુ અંગ છે, આપણા ઘરની મા પણ એક સ્ત્રી છે, પત્ની પણ એક સ્ત્રી છે અને પુત્રી પણ એક સ્ત્રી જ છે. આમની વચ્ચે લાગણીની હૂંફ નહી હોય તો સમાજનુ ઘડતર ક્યાંથી થશે ? બાળકોને પ્રેમ અને સંસ્કાર ક્યાંથી મળશે ? કોણ ઉઠાવશે આ વિરુધ્ધ પગલુ ? કોઈએ તો આગળ આવવુ જ પડશે ને ? આવો તો સ્ત્રીઓના વિકાસમાં બાધક આવી સીરિયલોનો વિરોધ કરીએ અને વિકાસના પંથ પર આગળ ધપીએ.