શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2014 (16:12 IST)

પતંગ રસિયાઓ મનાવશે પાંચ દિવસ સુધી ઉત્તરાયણ

P.R

આ વખતે ઉત્તરાયણના તહેવારની આજુબાજુ શનિ-રવિની રજાઓ મળી પાંચ દિવસની રજાઓનું મીની વેકેશન બનતું હોઇ શહેરભરમાં ઉત્તરાયણ પહેલાં જ આજે ઉત્તરાયણનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. શનિવાર-રવિવારની રજામાં પતંગરસિયાઓએ મનભરીને પતંગ ચગાવવાની અને લૂંટવાની મનભરીને મોજ માણી હતી. કડકડતી ઠંડી, સૂસવાટા સાથે ફુંકાતા પવન, પતંગરસિયાઓની કાયપો છે... એ ..લપેટ...લપેટ...ની બૂમો -ચીચીયારીઓ અને મ્યુઝિક-ડી.જેની ધૂમ વચ્ચે આજે રવિવારે તો ઉત્તરાયણ પહેલાં જ જાણે ઉત્તરાયણમનો માહોલ છવાયો હતો. બીજીબાજુ, પતંગબજારમાં પણ ખરીદી માટે જબરદસ્ત ધસારો જોવા મળતો હતો. વેપારીઓએ પણ આ તકનો લાભ લીધો હતો, જેને લઇ પતંગ-દોરીના ભાવો છેલ્લા બે દિવસથી ઉચકાયા હતા. પતંગ બજારમાં પતંગ-દોરીના ભાવોમાં વીસથી પચ્ચીસ ટકાનો વધારો આજે ત્રીસેક ટકા સુધી આંબતો જોવા મળ્યો હતો.
આ વખતે ઉત્તરાયણના તહેવાર નિમિતે પાંચ દિવસની રજાના મીની વેકેશનનો સંયોગ આવતો હોઇ પતંગરસિયાઓ તો ગઇકાલથી જ પતંગ ચગાવવાની પ્રેકટીસ શરૃ કરી દીધી હતી, જેથી ઉત્તરાયણના દિવસે મંગળવારે બીજાના પેચ સારી રીતે કાપી શકાય. જો કે, આજે રવિવારનો દિવસ હોઇ માહોલ ઉત્તરાયણ જેવો જામ્યો હતો. આજે વહેલી સવારથી જ ભારે ઠંડી અને સૂસવાટા મારતા પવનના જોર વચ્ચે પણ પતંગરસિયાઓ સવારથી જ પોળોના ધાબા, છાપરા અને પૂર્વ તેમ જ પશ્ચિમ વિસ્તારમાં ટેરેસ, અગાસીઓ અને ધાબા પર ચઢી ગયા હતા અને પતંગ ચગાવવામાં અને લૂંટવામાં મશગૂલ બન્યા હતા તો વળી, કેટલાક ઉત્સાહી પતંગરસિયાઓએ ધાબા પર મ્યુઝિક સીસ્ટમ, ડીવીડી અને ડી.જે પાર્ટી સાથે સંગીત અને ડાન્સની મોજ માણી માહોલ ખુશીભર્યો બનાવ્યો હતો. મ્યુઝિકમાં આ વર્ષે આશિકી-૨, ક્રિશ-૩, ધૂમ-૩, રવૈયા વસ્તાવૈયા, ફટા પોસ્ટર નીકલા હીરો, યારીયાં જેવી ફિલ્મોના ગીતો યુવાહૈયાઓ માટે ભારે હોટફેવરીટ રહ્યા હતા. ધાબાઓ અને અગાસીઓ પર મોટેભાગે આ જ ફિલ્મોના હીટ ગીતો સંભળાતા હતા. યુવતીઓ અને મહિલાવર્ગે તલસાંકડી, સીંગની ચીકી, દાળિયા, મમરાના લાડુ, શેરડી, બોર જેવી ઉત્તરાયણની ખાવા-પીવાની ચીજવસ્તુઓ સાથે પતંગરસિયાઓને આ ઉજવણીમાં સાથ આપ્યો હતો. તો વળી, નાના બાળકોને આકાશમાં ચગતા પતંગ અને ઉત્તરાયણનો માહોલ અને મ્યુઝીક મસ્તી જોઇ તહેવારની મજા પડી ગઇ હતી. પતંગરસિયાઓ આજે મોડી રાત્રે પણ તુક્કલ ચગાવી ઉત્તરાયણની જાણે એડવાન્સમાં ઉજવણી કરી હતી.
તો, રસ્તાઓ પર પણ વાહનચાલકો પતંગની દોરી અથવા તો ઝોલની દોરીમાં અટવાયાના કિસ્સાઓ જોવા મળ્યા હતા. ઉત્તરાયણને લઇ પતંગ દોરીના મંડપ, સ્ટોલની સાથે સાથે ઠેર-ઠેર લારીઓમાં કાઉ બોય સ્ટાઇલની આકર્ષક ટોપીઓ, તડકો ના લાગે તેના માટે પંખાથી હવા આપતી સોલર કેપ, નાના-મોટાના ગાગલ્સ, સિલ્ક ચશ્મા, પીપૂડા, સીસોટીઓ, હાથમાં પહેરવાની ટોટી, ગુંદરપટ્ટી, મેડિકલ રોલ, તુક્કલ, ગુબ્બારા સહિતની ચીજ વસ્તુઓ વેચાતી જોવા મળતી હતી. બીજીબાજુ, પતંગ-દોરી બજારમાં પતંગરસિયાઓએ ખરીદી માટે ભારે પડાપડી કરી હતી. જેના કારણે પતંગબજારમાં આજે લોકોની ભીડભાડ અને ભારે ધસારા વચ્ચે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પતંગ-દોરીના વિશાળ પંડાલ, સ્ટોલ્સ, લારીઓ અને ખરીદીની ધૂમ વચ્ચે ઉત્તરાયણ પહેલાં ઉત્તરાયણનો માહોલનો એહસાસ ખરા અર્થમાં જોવા મળ્યો હતો.
ઉત્તરાયણને આડે હવે માત્ર સોમવારનો જ દિવસ બાકી રહ્યો હોઇ અને આજે રવિવાર હોઇ પતંગબજારમાં પતંગ-દોરીની સાથે સાથે ઉત્તરાયણની ઉજવણીમાં જરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે નોંધનીય ધસારો જોવા મળ્યો હતો. શહેરના કાલુપુર ટંકશાળ, કાલુપુર, રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, બાપુનગર, સોલા રોડ, ગુરૃકુળ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં પતંગ બજારોમાં મોડી રાત સુધી લોકોએ ખરીદી માટે પડાપડી કરી હતી.
કડકડતી ઠંડી અને લાઇટીંગના ઝગમગાટ વચ્ચે રંગબેરંગી આકર્ષક પતંગો અને દોરી-ફિરકીઓના વેચાણ સાથે પતંગ બજાર મોડી રાત સુધી ધમધમતા રહ્યા હતા. વેપારીઓને પબ્લીકના ધસારાને લઇ ખાવા-પીવાનો સમય મળ્યો ન હતો અને છેલ્લા દિવસોમાં હાથ લાગેલી આવી ઘરાકીને પરિણામે ભારે તડાકો પડી ગયો હતો. તો છૂટક ફેરિયાઓ અને લારીઓવાળાને પણ સારી એવી ઘરાકી થઇ ગઇ હતી.