શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: મંગળવાર, 30 ડિસેમ્બર 2014 (14:29 IST)

સુરેન્દ્રનગર જિલ્લાના ઓડુ ગામમાં ૧૮૮૨ થી અનોખો પતંગ મેળો યોજાય છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદમાં મોટા ઉપાડે 'પતંગ ઉત્સવ' ઉજવાય છે ને પ્રચાર ભૂખ્યું સરકારી તંત્ર મહિના અગાઉથી એની તૈયારીમાં લાગી જાય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં આવેલા ચાર હજારની વસતિ ધરાવતા ઓડુ ગામમાં ૧૮૮૨ થી એટલે છેલ્લાં ૧૩૨ વર્ષથી ૨૯ ડિસેમ્બરે અનોખો પતંગ મેળો યોજાય છે જેમાં અગરિયા પરિવારો અને ખારા ઘોડા, મીઠા ઘોડા તથા અન્ય ગામના હિંદુ-મુસ્લિમ લોકો ઉમટી પડે છે.

આ ગામ અને પતંગ મેળા વિશે બહુ ઓછા લોકોને જાણ છે કારણ કે શહેરીકરણની હવા એને લાગી નથી. ઓડુ ગામના મુખી જેશિંગભાઈ આ પરંપરાગત પતંગ મેળાની વાત માંડતા કહે છે કે, અંગ્રેજ હકુમત વખતે ઓડુ ગામની બાજુના રણમાં અંગ્રેજોની 'પ્રિચાર્ડ સોલ્ટ વર્કસ' નામની કંપની હતી અને એમના મીઠાના અગરો હતાં જેમાં ૯૦૦ જેટલા અગરિયા પરિવારો મીઠાની ખેતી કરતા હતા.

એ વખતે મીઠાનાં અગરોનો વડો 'સોલ્ટ ઈન્સ્પેકટર' તરીકે ઓળખાતો ને એ વખતે અનવર શેખ નામના એક મુસ્લિમ બિરાદર સોલ્ટ ઈન્સ્પેકટર હતા. તેઓ અગરોની દેખરેખ રાખતા પણ ચુસ્ત નમાઝી હોવાથી ઓડુ ગામમાં દાવલ શા પીરની દરગાહ પર નમાઝ અદા કરવા અચૂક આવતા. સ્વભાવે દયાળુ અને પરગજુ હોવાથી અનવર સાહેબે મીઠાના ઉત્પાદનની પ્રક્રિયા અતિશય થકવી નાખે એવી હોવાથી પીરની દરગાહને નિમિત્ત બનાવી અગરિયા સમુદાયના મનોરંજન માટે ઓડુ ગામે પતંગ મેળાની શરૃઆત કરાવી હતી. જે આજે પણ જળવાઈ રહી છે. ને દર વર્ષે ૨૯મી ડિસેમ્બરે અહીં પતંગ મેળો અચૂક યોજાય છે.
આ પતંગ મેળા વિશેની એક બીજી રસપ્રદ વાત એ છે કે, જૂના વખતના પ્રિચાર્ડ સોલ્ટ વર્કસ માટે કામ કરનારા અગરિયાઓના વંશજોના સમૂહના વડા આજે પણ રણમાંથી પગપાળા ચાલીને આવે છે ને દાવલશા પીરની દરગાહ પર ધજા (નિશાન) તથા ફુલ ચડાવે છે ને તે પછી જ પતંગ મેળાની શરૃઆત થાય છે.

દિવસ નિશ્ચિત હોવાથી લોકો સમયસર પતંગ-દોરી સાથે આ સ્થળે ઉમટી પડે છે ને આખો દિવસ નિર્દોષ ભાવે પતંગ ચગાવવાની મઝા માણે છે. મજાની વાત એ છે કે ગામમાં અત્યારે માત્ર ત્રણ જ મુસ્લિમ પરિવારો છે છતાં તમામ હિંદુ પરિવારોને દાવલ શા પીર ઉપર અતૂટ શ્રધ્ધા છે. તમામ અગરિયા આ દિવસે કામકાજ બંધ રાખીને અહીં ઉમટી પડે છે. મેળામાં ચકડોળ અને મનોરંજનનાં છૂટાછવાયા સાધનો પણ જોવા મળે પણ એમનું મુખ્ય પર્વ તો આ પતંગ મેળો જ હોય છે. મેળાના આયોજન માટે કોઈ આયોજન સમિતિ કે વ્યવસ્થા તંત્ર ન હોવા છતાં લોકોમાં એવી સ્વયંભૂ શિસ્ત હોય છે કે દર વર્ષે બધું સમુસૂતરું પાર પડે છે.આ તો થઈ પતંગ મેળાની વાત પણ આ ગરીબ પ્રજાના વ્યકિતત્વ અને સંસ્કારોને સલામ કરવાનું મન થાય એવી વાત એ છે કે, અમદાવાદ જેવા શહેરમાં કાઇટ ફેસ્ટિવલ પૂરો થયા પછી વેપારી-ઉદ્યોગ અને મૂડી રોકાણ માટેનાં એમઓયુ થાય છે પરંતુ ઓડુ ગામના આ પતંગ મેળાના દિવસે સવારે લોકો દાવલ શા પીરની દરગાહ પર ભેગા થાય છે ને પીરના મુંજાવર (દેખરેખ રાખનાર) બધા માટે મીઠી ચા બનાવે છે ત્યારબાદ બધા ભેગા બેસી એ ગળી ચા પીને વરસભરની કડવાશોને મીઠાશમાં પલટાવવાના હેતુથી ભાઈચારો, સર્વધર્મ સમભાવ અને માનવતાના વણલખ્યા એમઓયુ કરે છે.એક સદી કરતાં પણ વધુ સમયથી કોઈ પણ જાહેરાત વગર ઉજવાતા પતંગ મેળા પર અને એને માણનારા લોકો પર ઈશ્વર-અલ્લાહ બંનેના ચાર હાથ છે.