ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ઉત્તરાયણ વિશેષ - પતંગ-દોરાના વેપારીઓને નફાની આશા

P.R
ફુગાવાએ જીવનના દરેક ક્ષેત્રને અસર કરી છે. એટલે સુધી કે જિંદગીમાં સંકળાયેલાં આનંદનાં સામાન્ય તત્વો પણ તેમાંથી બાકાત રહી શક્યાં નથી. મકરસંક્રાંતિ ટાણે ચગાવાતા પતંગના ભાવ આ વર્ષે ૩પ ટકા જેટલા વધ્યા છે. જેનું કારણ પતંગ બનાવવા માટેના કાચા સામાન એવા કાગળ, દોરી અને લાકડીના ભાવમાં થયેલો વધારો છે.

મકરસંક્રાંતિ હવે માંડ ૧પ-૧૬ દિવસ દૂર છે ત્યારે પતંગના વેપારીઓ આ સમયમાં ધંધો ઉંચકાવાની આશા રાખી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અંદાજે ર૦૦ જેટલી પતંગની દુકાનો ગોઠવાઇ ગઇ છે અને આ સીઝનમાં રૂ. પાંચ કરોડનો ધંધો થવાની આશા સેવાઇ રહી છે.

પતંગનો ધંધો દિવાળી પછી શરૂ થાય છે અને વસંત પંચમી સુધી ચાલુ રહે છે. પતંગ આસમાનમાં છવાઇ જવા માટે તૈયાર થઇ ગયા છે ત્યારે વેપારીઓએ પતંગના વેચાણ માટેની કામચલાઉ દુકાનો ઉભી કરી દીધી છે. માંજાના ઉસ્તાદો ઘરાકીમાં વધારો થવાની અને પોતાની આવકમાં વધારો થવાની રાહ જોઇ રહ્યા છે.

વર્ષનો આ સમય વેપારીઓ માટે ધંધામાં તેજીનો સમય છે. અંદાજે ૧પ૦-ર૦૦ જેટલી દુકાનો તમામ કદ, આકાર અને રંગના પતંગના વેચાણ માટે ધમધમી રહી છે. જમાલપુરમાં એક પતંગની દુકાનના વેપારી આસિફ ખાને કહ્યું કે, “પતંગ ચગાવવા માટેની કાચી દોરીના ભાવમાં રૂ.૧પનો વધારો નોંધાયો છે. અમારે તેને કાચથી પીવરાવીને તૈયાર કરીને વેચવાની હોય છે. અમે ૧૦૦૦ મીટર માંજા રૂ. ૯પમાં મેળવીએ છીએ અને તૈયાર કરીને તેને રૂ. ૧પ૦માં વેચીએ છીએ.”

ર૦ મિનિટમાં એક પતંગ તૈયાર કરવો એ ખાન માટે કંઇ મોટી વાત નથી. તેની આંગળીઓ કટિંગ અને પેસ્ટિંગમાં ખૂબ જ ઝડપથી કામ કરે છે. તેણે કહ્યું કે, “મને ખુદને યાદ નથી કે હું કેટલા સમયથી પતંગ બનાવું છું. પતંગ બનાવીને હું હોલસેલર્સને વેચું છું.”

હોલસેલ માર્કેટમાં પતંગ ખરીદતી વખતે ઘણો ફાયદો થાય છે. ત્યાં પ૦ પૈસાથી માંડીને ૧૦૦ રૂપિયા સુધીના ભાવ હોય છે. હોલસેલર્સ ર૦ રેગ્યુલર પતંગ રૂ. પ૦ ના ભાવે વેચે છે જ્યારે છૂટકના વેપારી આ જ ર૦ પતંગ રૂ. ૯૦ થી ૧૦૦ના દામે વેચે છે. ખાને કહ્યું કે, “દર વર્ષે પતંગ કાચા સામાનના ભાવમાં રૂ. ૩-પનો વધારો નોંધાતો હતો જ્યારે આ વર્ષે આ ભાવવધારો રૂ. ૧૦ થી ૧પ નો છે.”

શહેરના એક હોલસેલ ડીલર પવન કુમારે કહ્યું કે, “ગત વર્ષની તુલનાએ આ વર્ષે પતંગના ભાવમાં રપ થી ૩૦ ટકાનો વધારો થયો છે. જયારે માંજાના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.”

જમાલપુર ખાતે છૂટકનો વેપાર કરતા બિલ્લા પરનામીએ કહ્યું કે, “મકરસંક્રાંતિ માટેનો એક સારો માહોલ ઉભો થઇ રહ્યો છે. પણ પતંગ-દોરીના વેચાણમાં મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં જ ઉછાળો આવે છે. અમે ધંધાની દટીયો એ સારી સીઝનની આશા રાખી રહ્યા છીએ.”