શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By કલ્યાણી દેશમુખ|

ઊમંગોની ઉત્તરાયણ....ગુજરાતમાં

W.D

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં ત્યા ઉજવાય નવરાત્રિ. આ વાક્ય હકીકતમાં બદલાય રહ્યુ છે, કારણ કે હવે ગુજરાતનો માનવંતો તહેવાર નવરાત્રિ આજે દેશના મોટા ભાગના શહેરોમાં ઉજવાતી થઈ ગઈ છે. પરંતુ ઉત્તરાયણ એક એવો તહેવાર છે જે ગુજરાતમાં જ તેના સાચા રંગમાં ઉજવાતો જોવા મળે છે. ભલે ગુજરાતીઓ આ તહેવાર બીજે ક્યાંક રહીને પણ ઉજવવા માંગ પણ તેમને એવી મજા તો ન જ આવે જેવી ગુજરાતમાં આવે છે. કારણ કે ઉત્તરાયણની સાચી મજા તો પતંગ ઉડાવવામાં છે. જેમાં માત્ર એક-બે લોકો પતંગ ઉડાવે તો ઉત્તરાયણની મજા માણી ન શકાય, તેને માટે તો બીજી હજારો પતંગો પણ સાથે ઉડે તો કંઈ પેચ લડાવવાની મજા આવે.

મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. સૂર્ય પોતાની પોતાની પરિભ્રમણ કરવાની દિશામાં પણ થોડો ફેરફાર કરે છે અને ઉત્તર તરફ ખસે છે તેથી તેને ઉત્તરાયણ કહે છે.

ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં સવારે વહેલા ઉઠીને લોકો ગાયની પૂજા કરીને ગાયને ઘઊં કે બાજરાને બાફીને તેના પર ઘી-ગોળ નાખીને (પૂળા) ખવડાવે છે. લીલો ચારો ખવડાવે છે. આ દિવસે દાનનુ પણ પુષ્કળ મહત્વ છે. તેથી આ દિવસે લોકો દાન પણ કરે છે. આ દિવસે તલનુ વિશેષ મહત્વ હોય છે. તેથી ઘેર-ઘેર તલપાપડી, તલસાંકળી, તલના લાડુ તો બનતા જ હોય છે.

દરેક નાનાથી માંડીને મોટેરાંઓ સવારે વહેલા ઉઠીને નિત્યક્રમથી પરવારી અગાસી પર પહોંચી જાય છે. એ દિવસે તો લોકોનો ઉત્સાહ જોવા લાયક હોય છે. દરેક ડી.જે સાથે અને પોતાની પતંગો-દોરા સાથે બધી રીતે તૈયારી કરીને આ ઉત્સવને ઉજવે છે.

ઉત્તરાયણ માટે પતંગો બનાવવાનું કામ તો બારેમાસ ચાલતું હોય છે. પરંતુ પેચ કાપવા માટે એકથી એક ચઢીયાતા માંજા તૈયાર કરવાની શરૃઆત ઉત્તરાયણના બે મહિના અગાઉથી જ થાય છે. ગુજરાતમાં સૂરત અમદાવદ, વડનગર, ખંભાત વગેરે સ્થળો એવા છે જે પતંગના દોરા માટે વધુ પ્રખ્યાત છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી ઉત્તરાયણ માટે વિશેષ દોરા લેવા આવે છે. ૧૦થી ૧૨ લોકો ભેગાં મળીને લાખો વારના માંજા ઉત્તરાયણ પહેલાં તૈયાર કરી નાંખતા હોય છે. પતંગ અને દોરા પાછળ એક દિવસમાં ગુજરાતીઓ કરોડો રૂપિયા ખરચી નાખે છે.

ગુજરાતની ઉત્તરાયણ વિશે તો એટલુ જ કહેવુ છે કે

હે............અનેરો ઉત્સાહ લઈને આવી ઉત્તરાયણ રે,
હો દોરાને સંગ અને પતંગોને સંગ કેવી સજી રે ઉત્તરાયણ રે
ઊંધિયુ ને સેવ સાથે, ફાફડા જલેબી સાથે કેવા થયા ધેલા ગુજરાતીઓ રે.........જી રે કેવા ધેલા થયા ગુજરાતીઓ રે.