શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. લગ્ન વિશેષાંક
  4. »
  5. વિવાહ લેખ
Written By વેબ દુનિયા|

લગ્નોએ હવે આધુનિક સ્વરૃપ ધારણ કર્યું

વોટ્સએપ, ઈ મેલ, મેસેજ, સીડી, ડીવીડી, વેબસાઇટનો વિવિધ સ્વરુપે ચલણ વધ્યું

P.R

આધુનિક યુગમાં સમયના અભાવ સાથે યોજાતાં લગ્નો હવે હાઈટેક બન્યાં છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. લગ્નનાં આમંત્રણો વોટ્સએપ, ઈ મેલ અને મેસેજ દ્વારા મોકલવાનું ચલણ વધ્યું છે તો સાથે સાથે કન્યા અને વરરાજાના ડ્રેસિંગથી શરૃ કરીને ફોટોશૂટ, આલબમ, ભોજનની ડિશ, કોસ્મેટિક્સ ટ્રીટમેન્ટ, રિટર્ન ગિફ્ટથી શરૃ કરીને તમામ વસ્તુઓના આયોજન માટે વેબસાઈટ સહિત ઈવેન્ટ મેનેજરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમંત્રિતોને રહેવા માટેનાં ભાડાં સહિતનાં પેકેજ પણ હવે ઉમેરાયાં છે. એક જમાનામાં લગ્નમાં એક છત નીચે રહીને આનંદ માણતા કુટુંબીજનો માત્ર લગ્ન સમયે હોટલના રૃમમાંથી બહાર આવીને હાજરી આપતા થયા છે. લગ્નએ હવે આધુનિક સ્વરૃપ ધારણ કર્યું છે.

માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો અંદાજે ત્રણ હજારથી વધુ યુગલ આ લગ્ન સિઝનમાં પ્રભુતામાં પગલા માંડી રહ્યાં છે. શિયાળુ લગ્નોત્સવની સિઝન સોળે કળાએ ખીલી છે. ૧૮ અને ૨૦ નવેમ્બરે અનેક લગ્નો યોજાયાં બાદ આઠમી ડિસેમ્બરે લગ્ન સિઝનનાં સૌથી વધુ લગ્નો યોજાઈ રહ્યાં છે. લગ્ન માટેનાં શ્રેષ્ઠ મુહૂર્તોમાં ૧૫ શ્રેષ્ઠ મુહૂર્ત ૨૪ દિવસ માટે નીકળ્યા છે ત્યારે આઠમી ડિસેમ્બરે રવિવાર આવતો હોઈને સૌથી વધુ લગ્નો આઠમીએ યોજાનાર છે ત્યારબાદ ૧૪ અને ૧૬મી ડિસેમ્બર અને ત્યાર પછી ૧૪મી જાન્યુઆરી મંગળવાર સુધી ધનારક અને કમુરતાં હોઈને લગ્ન કરનારાઓને રાહ જોવી પડશે.

મેરેજ ઈન્ડસ્ટ્રી પુરબહારમાં ખાણીપીણી માટે કેટરર્સથી શરૃ કરીને મંડપ કોન્ટ્રાક્ટર્સ-ડેકોરેટર્સ, ફુલ સુશોભન કરનારાઓ, લગ્ન ગીતો ગાનારાઓ, બગી, હાથી-ઘોડા વગેરે વરરાજાની જાન માટે ભાડે આપનારાઓ સંગીત સંધ્યા આયોજિત કરનારાઓ, ઈવેન્ટ મેનેજર, કંકોતરી બનાવનારાઓ, ઓરકેસ્ટ્રા ધરાવનારાઓ, ડી.જે. સાઉન્ડ, આર્ટિસ્ટો, બ્યુટી ટ્રીટમેન્ટ આપનારા બ્યુટીશિયનો, કોસ્મેટિક સર્જનો, ડ્રેસ ડિઝાઈનરો, મેંદી મૂકી આપનારાઓ, ડાયટિશિયનો, કોરિયોગ્રાફર, ગિફ્ટ આર્ટિકલ્સ બનાવનારાઓ, લગ્નની વસ્તુઓ વેચનારાઓ, પૂજાપાનો સામાન વેચનારાઓ, ગોર મહારાજ સહિત લગ્નની ઈવેન્ટ સાથે સંકળાયેલા હોઈને લગ્નસિઝન દરમિયાન તેમની કમાણી વર્ષના ૨૫ ટકા સુધીની થઈ જાય છે. લગ્ન સિઝન વર્ષમાં ત્રણથી ચાર વાર આવે છે ત્યારે ઉપરોક્ત વ્યક્તિઓ સિઝન દરમિયાન આખા વર્ષની કમાણી કરી લે છે.

લગ્ન સિઝનમાં હવે ફટાકડા જાણે જરૃરિયાત બની ગયા છે. ઓછા બજેટથી શરૃ કરીને મોટા બજેટનાં લગ્નોમાં બજેટ પ્રમાણેના ફટાકડા લગ્ન બજેટમાં સમાવાય છે.નાના બજેટનાં લગ્નોમાં કોઠી, મરચી બોમ્બ, ૫૫૫ બોમ્બ વગેરેનો ઉપયોગ થાય છે. જ્યારે મોટા બજેટનાં લગ્નમાં પાંચથી ૧૦ હજાર સુધીના અડધા કલાક ચાલે તેવા જુદા-જુદા રંગ અને આકાર આકાશમાં રચે તેવા સાયલન્ટ ફટાકડાનો જાદુ હજુ જળવાયેલો છે. ખાસ કરીને દિવાળી પછી નવરા થઈ ગયેલા વેપારીઓ માટે લગ્નના સિઝન ફટાકડાનાં વેચાણ માટે હોટકેક બની જાય છે. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે બજેટ બનાવતા લોકો લગ્ન માટે ફટાકડા ફોડવા માટે બજેટની પરવાહ કરતા નથી.

ભગવાનની દિવ્ય શક્તિથી ભરપૂર મહર્ષિ કર્દમનાં લગ્ન મનુપુત્રી દેવહુતિ સાથે ગુજરાતના પવિત્ર સ્થળ ગણાતા સિદ્ધપુરમાં થયાં હતાં ત્યારે કર્દમ ઋષિ ઉપર કૃપા દૃષ્ટિ કરવા આવેલા ભગવાનનો આંખોમાંથી સ્નેહના આંસુ ટપકી પડ્યા અને સર્જાયું. બિંદુ સરોવર એટલે જ આ સરોવર સરસ્વતી નદી સાથે સંકળાયેલું પવિત્ર અને કલ્યાણકારી કહેવાય છે. મનુ રાજાએ દીકરી દેવહુતીના લગ્નની દરખાસ્ત કર્દમ ઋષિને કરી ત્યારે 'કન્યા' શબ્દનો પ્રયોગ દેવહુતિ માટે કરેલો ત્યારથી આજ સુધી કન્યા શબ્દનું મહત્ત્વ યથાવત્ ઉદાહરણરૃપ અને પ્રતીક રૃપ બન્યું છે.

વેડિંગ સિઝનમાં ૨૦ ટકા લગ્નમાં હવે સ્પેશિયલ રેસિપી ઉમેરાઈ છે જેમાં જાપાનીઝ, ઈટાલિયન, લેબેનિઝ, થાઈ, સ્વિસ અને મેક્સિકન જેવા ક્યુઝિસન્સ ઉમેરાયા છે. આ ઉપરાંત ડાયટ ફૂડ અને શુગર ફ્રી મીઠાઈના કાઉન્ટરો અલગ મૂકવામાં આવે છે. સ્વાદના શોખીનો વેડિંગ માટે અન્ય રાજ્યોમાંથી સ્પેશિયલ રેસિપી માટે શેફ બોલાવે છે. ઉપરાંત ફ્રૂટ કાઉન્ટર્સ અને ખાઉસે સૂપની બોલબાલા છે જેમાં ખાનાર વ્યક્તિ કહે તેટલા ઈન્ગ્રિડિયન્સ નાંખીને સૂપ બનાવવામાં આવે છે. આ ઉપરાંત વેલકમ ડ્રીંક્સ, અમૃતસરી ફૂડ જુદી જુદી જાતનાં ડેઝર્ટસ, પુડિંગ અને ચીઝ કેક ખાસ મૂકવામાં આવે છે.

લગ્નને વધુ સ્પેશિયલ બનાવવા માટે વેબ ડિઝાઇનર્સ અને વેડિંગ વેબસાઇટ ડેવલપ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. મેરેજ કપલ્સ માટે ખાસ મેરેજ વેબસાઇટ બનાવવામાં આવે છે. જેમાં ઇન્વિટેશન - પ્રિ-શૂટ ફોટોગ્રાફર્સ - કોમેન્સ - વેન્યુ - વગેરે માહિતી અપલોડ કરવામાં આવે છે. જેના કારણે સીડી બનાવવાથી માંડીને આલબમ લઇને ફરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. એન્ટીહેકિંગ હોવાથી હેક થવાની શક્યતા રહેતી નથી.

ઠંડીમાં ચા-કોફી કે આઈસક્રીમ ખાવાનો આનંદ કંઈક ઔર જ હોય છે તેવું માનનારો યુવાવર્ગ વધ્યો છે. સંગીત અને રિસેપ્શન જેવા કાર્યક્રમો સાંજે આયોજિત થતાં હોય છે ત્યારે ખાસ કરીને હોટ અને કોલ્ડ કોફીના કાઉન્ટર્સ તેમાં પણ વેરાયટી અનેક ફ્લેવરની કોફી અને અનેક ફ્લેવરની કોલ્ડ કોફી તેમજ ચાના સ્પેશિયલ કોફીબાર મુકાય છે ત્યારે વર કે કન્યા કહે છે કે અમારે કંઈક નવું જોઈતું હતું અથવા તો મને કોફી બહુ ગમે છે તેથી લગ્નમાં મેં કોફીબાર મુકાવાનું પ્લાનિંગ કર્યું છે. મેન કોર્સને બાદ કરતાં યંગસ્ટર્સને અન્ય રેસિપી ખાવામાં વધારે રસ પડે છે. પિઝા અને પાસ્તાની જગ્યા હવે ઈન્ટરનેશનલ ટેસ્ટ તરફ વળી છે.

લગ્નની સિઝનમાં વરરાજા માટે માત્ર થોડા સમય માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘોડા-હાથી અને બગી તેમજ ડીજેના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘોડાનો ભાવ એક કલાક માટે ૭ હજાર, હાથીનો ભાવ એક કલાક માટે ૧૫ હજાર, બગીનોે ભાવ ૧૫ હજારથી લઇને ૪૦ હજાર રૃપિયા. ડીજેનો ભાવ ૧૫ હજારથી લઇને ૩૫ હજાર સુધી વસૂલવામાં આવે છે, તો બીજી તરફ જાનમાં હવે સ્પેશિયલ નાચવા માટે આર્ટિસ્ટોને બોલાવાનો ટ્રેન્ડ ઉભો થયો છે. તેમનો ભાવ પણ ઓછામાં ઓછો રૃ. ૫૦૦૦ જેટલો રહે છે.

લગ્નના દિવસના બેથી ત્રણ માસ પહેલાથી બ્યુટી ટ્રીટમેન્ટ, કોસ્મેટિક સર્જરીનો ક્રેઝ માત્ર કન્યા કે વર પૂરતો મર્યાદિત ન રહેતાં કુટુંબીજનો સુધી પહોંચ્યો છે. ૪૦ હજારથી બે લાખ સુધીના મોંઘા વેડિંગ ડ્રેસ ખરીદનારા હવે કોસ્મેટિક સર્જરી પાછળ એકથી દોઢ લાખનું પેકેજ ખુશી ખુશી વાપરી નાંખે છે. ચહેરાની સર્જરી, આંખ પરની ક્રો લાઈન દૂર કરવી, આંખો નીચેના કાળાં કુંડાળા દૂર કરવાની લેન્સર ટ્રીટમેન્ટ, ગાલ પાસે ચરબીનું ફીલર, બોટોક્સ, ચહેરા પરના ડાઘ દૂર કરવાની ટ્રીટમેન્ટ, ટ્રાયપોલર, ડાયમન્ડ ક્રિસ્ટલ પાલિશ, હેર એક્સટેન્શન, લાઈયો સેક્શન, રાયનોપ્લાસ્ટી વ. સર્જરીનાં પેકેજ લગ્ન સમયે લેવામાં આવે છે. તમામ કુટુંબીજનો સાથે ઘરનો પ્રસંગ માણવાનો હોય ત્યારે સેન્ટર ઓફ ધ અટ્રેક્શન વર-કન્યા અને તેના માતા-પિતા આ પ્રકારની સર્જરી માટે બજેટ ફાળવે છે.

યોજાતાં લગ્ન અને રિસેપ્શનમાં ગુજરાતી, ચાઇનીઝ, રાજસ્થાની, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી, થાઇ, મેક્સિકન અને કેટલીક રશિયન ડિશની બોલબાલા છે, જેથી માત્ર એક જ રસોઇયો રાખવાના બદલે જુદી જુદી ચીજો માટે અલગ રસોઇયા અને કાઉન્ટર રાખવા પડતાં હોઇ તે ડિશનો ભાવ રૃ. ૨૦૦થી શરૃ કરીને રૃ.૨૫૦૦ જેટલો કેટરર્સ વસૂલે છે.