ગુજરાતની વિધાનસભાચૂંટણી 2022- ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓનો ઠાઠ પણ જબરો છે, આ મહિલા ઉમેદવારો પાસે છે સૌથી વધુ સોનુ
Gujarat Assembly Elections 2022- ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર મુખ્ય 3 પાર્ટી ભાજપ, કોંગ્રેસ તથા આપના ઉમેદવારે ફોર્મ ભરી દીધાં છે. ત્રણેય પાર્ટીનાં થઈને 37 મહિલા ઉમેદવાર છે, જેમાં ભાજપનાં 17, કોંગ્રેસનાં 14 તથા આપનાં 6 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. આ મહિલા ઉમેદવારો પાસે પોતાનું કેટલું સોનું છે, તે અંગેની માહિતી એકત્ર કરી હતી. જેમાં 37 મહિલા ઉમેદવારોમાંથી સૌથી વધુ સોનું વડોદરાની સયાજીગંજ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અમી રાવત પાસે હોવાનું જાણવા મળ્યું છે. તેમનો દૈનિક પહેરવેશ સામાન્ય છે, પરંતુ તેમની પાસે સોનું અને ઝવેરાત સૌથી વધુ 140 તોલા છે. 37 મહિલાઓમાં એક માત્ર રિવાબા જાડેજા પાસે 14.80 લાખની ડાયમંડની જ્વેલરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનાં પાવી જેતપુરનાં મહિલા ઉમેદવાર પાસે 0.5 ગ્રામ સોનું જ છે.
ચૂંટણી લડતાં મહિલા ઉમેદવારોના એફિડેવિટ મુજબ સૌથી વધુ સોનું ધરાવતાં ટોપ 5 મહિલા ઉમેદવારની જો વાત કરીએ તો કોંગ્રેસનાં 1 અને ભાજપનાં 4 મહિલા ઉમેદવાર છે. સૌથી વધારે સોનાની વાત કરીએ તો સયાજીગંજનાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર અમી રાવત પાસે 140 તોલા સોનું છે. જ્યારે બીજા નંબર પર આવે છે જામનગર ઉત્તરનાં ભાજપનાં મહિલા ઉમેદવાર રીવાબા જાડેજા, જેમની પાસે 120 તોલા સોનું છે. તે પછી પાટણ બેઠકનાં ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ પાસે 70 તોલા સોનું છે.ભાજપ, કોંગ્રેસ અને આપનાં તમામ 37 મહિલા ઉમેદવાર પાસે કુલ 1505.34 તોલા સોનું છે. જેમાં ભાજપની ઉમેદવાર પાસે 810.34 તોલા કોંગ્રેસનાં મહિલા ઉમેદવારોની પાસે 601 તોલા સોનું અને આમ આદમી પાર્ટી પાસે 94.5 તોલા સોનું છે. ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસે સૌથી ઓછું સોનું છે.