શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (18:53 IST)

અમદાવાદમાં અમરેલીનો યુવક નકલી આઈકાર્ડથી NIAની ઓફિસમાં પ્રવેશ કરતાં જ પકડાયો

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુંજન કાંતિયા નામના યુવક સામે ગુનો દાખલ
 
અમદાવાદઃ દેશમાં વડાપ્રધાન કાર્યાલયનો ઓફિસર બનીને અનેક લોકોને ઠગનાર મહાઠગ કિરણ પટેલ હજુ લોકોની માનસિકતામાંથી બહાર નથી આવ્યો ત્યાં વધુ એક મહાઠગ પકડાયો છે. આ મામલે ગાંધીનગરમાં રહેતા અને મૂળ અમરેલીના યુવકની ધરપકડ કરી તેની સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવક અમદાવાદના SG હાઈવે ઉપર આવેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA માં પોતે ઓફિસર હોવાની પરિવારને ઓળખ આપીને પત્નીને ઓફિસમાં લઈ ગયો અને બહાર ગાડીમાં બેસાડી અંદર પ્રવેશ કરતા જ તેને પકડી પાડવામાં આવતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. યુવકની જડતી લેતા તેની પાસેથી ત્રણ બોગસ આઈકાર્ડ મળી આવ્યા છે. 
 
યુવકે પોતે NIA ઓફિસર તરીકેની ઓળખાણ આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત એટીએસની કચેરી ખાતે એનઆઇએ કચેરીના અધિકારી એક વ્યક્તિને પકડીને લાવ્યા હતા. જે યુવકે પોતે NIA ઓફિસર તરીકેની ઓળખાણ આપી હતી અને અધિકારીઓને તેના ઉપર શંકા જતા તેને પકડીને એટીએસ ખાતે લઈ આવ્યા હતા. જે યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજન અને તે મૂળ અમરેલીનો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું આઈકાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હતું અને એન.કે ત્યાગી સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ (એડમીન) NIAની સહી કરેલી હતી.  
 
આઈ કાર્ડનો ઉપયોગ સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવા માટે કરતો હતો
અન્ય આઈકાર્ડની તપાસ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હતું  ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હતું જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની ઓળખ હતી જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટના હોદ્દા ઉપર સહી કરેલી હોય તે પ્રકારના અલગ અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા. આ મામલે ગુજરાત એટીએસની ટીમે યુવકને આઈકાર્ડ બનાવવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ કાર્ડનો ઉપયોગ તે અલગ અલગ કચેરીઓમાં જતો ત્યારે કરતો હતો. આ સિવાય સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવા માટે કરતો હતો.
 
ઓનલાઈન વેબસાઈટ મારફતે અલગ અલગ લોગો મેળવ્યા
યુવકે પુછપરછમાં કહ્યું હતું કે, 1 ઓગસ્ટના રોજ તેની પત્નીને પોતે NIA માં નોકરી કરતો હોય તેમ બતાવવા માટે એસ્ટર ગાડી લઈને આવ્યો હતો અને પત્નીને ગાડીમાં બેસવાનું જણાવી પોતે ઓફિસમાં જઈને આવે છે તેમ કહીને ઓફિસમાં ગયો હતો. છારોડી ખાતેની NIA કચેરીમાં પ્રવેશતા જ તેને સિક્યુરિટી ગાર્ડને પોતાનું આઈકાર્ડ બતાવ્યું હતું અને કચેરીમાં ગયો હતો. જોકે ત્યાંના અધિકારીઓને શંકા જતા તે પકડાઈ ગયો હતો.  ATS એ આ આઈકાર્ડ બનાવવા બાબતે તેને પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન વેબસાઈટ મારફતે અલગ અલગ લોગો મેળવી પોતાના કોમ્પ્યુટરમાં કાર્ડ બનાવ્યા હતા. આ સમગ્ર મામલે NIA કચેરી ખાતે પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી કચેરીમાં પ્રવેશ કરી પકડાઈ જતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુંજન કાંતિયા નામના યુવક સામે ગુનો દાખલ કરી તેને સોલા હાઇકોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.