રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 માર્ચ 2024 (11:44 IST)

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આપે કહ્યું, 'ભાજપ અને મોદીનું રાજનૈતિક કાવતરું', દારૂ નીતિનો કેસ શું છે?

Arvind Kejriwal
પ્રવર્તન નિદેશાલયે ગુરુવારે રાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. તેમને શુક્રવારે દિલ્હીની રાઉશ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર શુક્રવારે સવારે દસ વાગ્યે પ્રદર્શન કરશે.
 
સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે – “ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે જ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇડી પૂછપરછ માટે તેની કસ્ટડી માગશે."
 
હાલમાં દિલ્હીના મુખ્ય મંત્રીના આવાસની બહાર અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના જવાનો મોટી સંખ્યામાં હાજર છે.
 
મુખ્ય મંત્રી આવાસની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોની ભીડ સતત વધી રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટી આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી રહી છે.
 
આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ કહ્યું છે કે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
 
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને સમાચાર મળી રહ્યા છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે.”
 
 
આપ નેતા આતિશીએ કહ્યું- 'ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી'
આતિશીએ પત્રકારોને કહ્યું, “અરવિંદ કેજરીવાલની ધરપકડ એ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર છે. નરેન્દ્ર મોદીને જો કોઈ એક નેતાથી ડર લાગે છે તો એ અરવિંદ કેજરીવાલ છે.”
 
આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલ માત્ર એક માણસ નથી, તેઓ એક વિચાર છે. જો તમને એવું લાગે છે કે તમે અરવિંદ કેજરીવાલને ખતમ કરીને એક વિચારને ખતમ કરી શકશો તો એમ માનવું ખોટું છે.”
 
આતિશીએ કહ્યું, "જ્યારથી આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારથી બે વર્ષમાં ઈડી કે સીબીઆઈ એક પણ રૂપિયો વસૂલવામાં સફળ રહી નથી. પાંચસોથી વધુ અધિકારીઓ આ કેસમાં રોકાયેલા છે. એક હજારથી વધુ દરોડા પાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓનાં ઘરો અને ઑફિસો પર દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા."
 
"પરંતુ તેમ છતાં આજ દિન સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. તેથી આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ થવી એ એક રાજકીય કાવતરું છે."
 
તો દિલ્હીનાં મંત્રી આતિશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્ય મંત્રી છે અને રહેશે. જો તેઓ જેલમાં જશે તો જેલમાંથી જ સરકાર ચલાવશે.”
 
આતિશીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે, "અમે ઈડી દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે આજે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ કરી છે."
 
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી છે.
 
તેમણે કહ્યું કે 'એવું લાગે છે જાણે કે અરવિંદ કેજરીવાલના ઘરે ઇડીએ રેડ પાડી છે.'
 
તેમણે એ પણ કહ્યું કે કેજરીવાલનો ફોનથી કોઈ સંપર્ક થઈ શકતો નથી.
 
સૌરભ ભારદ્વાજે ત્યાર પછી મીડિયાને આપેલા નિવેદનમાં આ દાવો કર્યો છે.
 
તેમણે કહ્યું, "પ્રથમ દૃષ્ટિએ જે રીતે પોલીસ અંદર છે અને મુખ્ય મંત્રીજીના આવાસમાં કોઈને જવા દેવાતા નથી, એ જોતાં એવું લાગે છે કે મુખ્ય મંત્રીજીને ત્યાં રેડ પાડી છે. તેમના મનમાં શું છે એ ખબર નથી. પણ એવું લાગે છે કે મુખ્ય મંત્રીજીની ધરપકડ કરવાની પૂરી તૈયારી છે."
 
અગાઉ 21 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કેજરીવાલને ઇડીની સંભવિત ધરપકડથી રક્ષણ આપવા માટેની આગોતરી અરજી ફગાવી દીધી હતી.
 
અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેને હાઇકોર્ટમાં પડકાર્યા હતા.
 
ઇડી તરફથી નવમું સમન્સ મળ્યા બાદ કેજરીવાલ હાઈકોર્ટ ગયા હતા.
 
અરવિંદ કેજરીવાલને સતત ઇડી તરફથી કથિત દારૂ નીતિ મામલે સમન્સ મળી રહ્યા હતા. આ સમન્સને ગેરકાયદે ગણાવીને કેજરીવાલે ઘણી વાર જાહેરમાં પત્ર લખીને ઇડીને પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે ઇડીને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી પણ બતાવી હતી.
 
કેજરીવાલ આ સમન્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા રહ્યા છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે કથિત દારૂ નીતિ કૌભાંડમાં આપના મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજયસિંહની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે.
 
આપના ગુજરાતના નેતાઓએ આ વિશે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍકસ પર લખ્યું, "ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભાજપ હરાવી ન શક્યો એટલે આજે સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યો છે. કેજરીવાલ શિક્ષા, સ્વાસ્થ્ય અને ક્રાંતિનો એક વિચાર છે. આ વિચારને કોઈ રોકી નહીં શકે."
 
આ વિશે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "આખો દેશ અરવિંદ કેજરીવાલની ઇમાનદાર નીતિથી પરિચિત છે. અમે અને આખો દેશ અરવિંદ કેજરીવાલજી સાથે છે. આખા દેશમાંથી સમર્થન મળશે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત બનશે. અમે ભાજપથી ડરવાના નથી. લડીશું અને જીતીશું. અને એક દિવસ સત્યની જીત થશે."
 
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું હતું કે, "ડરેલો તાનાશાહ એક મૃત લોકતંત્ર બનાવી રહ્યો છે."
 
"મીડિયા સહિતની તમામ સંસ્થાઓ પર કબજો જમાવવો, પાર્ટીઓ તોડી નાખવી, કંપનીઓ પાસેથી પૈસા પડાવવા, મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું એ 'શૈતાની શક્તિ' માટે પૂરતું નહોતું, હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બની ગઈ છે."
 
‘ઇન્ડિયા’ આનો જડબાતોડ જવાબ આપશે.
 
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવા એ ખોટું અને ગેરબંધારણીય પગલું છે."
 
તેમણે કહ્યું, "ચૂંટણીના કારણે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને આ રીતે નિશાન બનાવવા એ સંપૂર્ણપણે ખોટું અને ગેરબંધારણીય છે. આ રીતે રાજકારણનું સ્તર નીચું કરવું વડા પ્રધાન કે તેમની સરકારને શોભતું નથી."
 
"ચૂંટણીના મેદાનમાં તમારા ટીકાકારો સામે ઊતરીને લડો અને હિંમતભેર તેમનો મુકાબલો કરો, તેમની નીતિઓ અને કાર્યશૈલી પર હુમલો કરો – એ જ લોકશાહી છે. પરંતુ તમારા રાજકીય ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દેશની તમામ સંસ્થાઓની શક્તિનો આ રીતે ઉપયોગ કરીને, તેમના પર દબાણ ઊભું કરવું અને તેમને આ રીતે નબળા પાડવા એ લોકશાહીના દરેક સિદ્ધાંતોની વિરુદ્ધ છે."
 
"દેશના વિપક્ષની સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસના બૅન્ક ખાતાંઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પર ઈડી, સીબીઆઈ અને આઈટીનું દિવસરાત દબાણ છે."
 
"એક મુખ્ય મંત્રીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે જ્યારે બીજા મુખ્ય મંત્રીને જેલમાં નાખવાની તૈયારી થઈ રહી છે. આ શર્મનાક દૃશ્ય છે જે ભારતના ઇતિહાસમાં પહેલી વાર જોવા મળી રહ્યું છે."
 
શું હતી દિલ્હીની નવી દારૂ નીતિ?
ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને દારૂના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.
 
આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં દારૂની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને દારૂના વેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં દારૂ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.
 
નવી દારૂ નીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, સારો ગ્રાહક અનુભવ આપવાનો, દારૂ માફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.
 
આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.
 
દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો.
 
આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને દારૂની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી અપાઈ હતી. તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.
 
ભરૂચમાં ચૈતર વસાવા ભાજપનું 26માંથી 26 સીટનું ગણિત બગાડી શકશે?
 
શું છે કથિત દારૂ ગોટાળો?
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.
 
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નખાઈ હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.
 
ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.