રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 12 મે 2019 (11:00 IST)

એક એવા લગ્ન જેમાં પીઠી ચોળાઈ, વરઘોડો નીકળ્યો, જમણવાર થયો પણ કન્યા નહોતી

જો તમારામાં કોઈ વ્યક્તિ પ્રત્યે ઉમદા ભાવ હોય તો તેની ગમે તેવી અઘરી ઇચ્છા પણ પુરી કરવી સરળ બની જાય છે. માનસિક રીતે અસ્વસ્થ એવા હિમંતનગરના ચાંપલાનાર ગામમાં. 23 વર્ષના અજય બારોટ ઉર્ફે પોપટના ઘડીયા લગ્ન લેવાયા છે અને આ લગ્ન અનેક રીતે ખાસ છે.
અજય એક મૅન્ટલી ચેલેન્જ્ડ વ્યક્તિ છે. પરંતુ તેમની પણ અન્ય યુવાનોની જેમ પરણવાની ઇચ્છા હતી. અજયની ઇચ્છા અનુસાર લગ્નની આમંત્રણ પત્રિકા છપાઈ, તેમને પીઠી ચોળવામાં આવી, ઘોડા પર બેસાડી તેમની જાન પણ નીકળી. દૂરથી લોકોને સામાન્ય લગ્નનો વરઘોડો લાગતો, પણ જ્યારે ઘોડે ચડેલા વરરાજાને લોકો જોતાં ત્યારે તેમને આ ઘટના થોડી અલગ લાગતી.
કારણ કે આ એક મૅન્ટલી ચેલેન્જ્ડ વ્યક્તિનો વરઘોડો હતો. વાજતે-ગાજતે પરિવાર અને ગામના લોકોનો જમણવાર પણ કરવામાં આવ્યો. આ લગ્નમાં માત્ર કન્યા નહોતી બાકી બધું જ હતું. આ લગ્નનો આનંદ હાજર દરેક વ્યક્તિના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
 
અજયના પિતા વિષ્ણુભાઈ બારોટ હિમંતનગર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે.
તેઓ જણાવે છે કે, અજયની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે તેના માતા કોકિલાબહેનું અવસાન થયું. ત્યાર બાદ તેમના પિતાએ શર્મિષ્ઠાબહેન સાથે બાજું લગ્ન કર્યું. જેણે અજયનો પોતાના બાળકની જેમ ઉછેર કર્યો. અજય છ-સાત વર્ષની ઉંમરનો થયો ત્યારે તેમના પરિવારને અજયની માનસિક સ્થિતિ અંગે ખ્યાલ આવી ગયો.
અજયના પિતા કહે છે, "તેને બાળપણથી જ ગરબા રમવાનો અને નાચવા-ગાવાનો ખૂબ જ શોખ છે. તે નગરાત્રિમાં ગરબા વાગતા બંધ થાય ત્યાં સુધી ગરબા રમે છે. ગામમાં કોઈ પણ લગ્ન હોય તો એ ફૂલેકામાં નાચ્યા વિના ના રહે. તેનું શરીર હવે ભારે થઈ ગયું છે, તો અમને એ થાકી જશે કે બીમાર પડશે એવી ચિંતા થાય. તેથી અમે તેને રોકવાના પ્રયત્ન કરીએ છતાં તે નાચવાનું છોડે નહીં."
 
એને પણ પરણવાની અને ઘોડીએ ચડવાની ઇચ્છા.
અજયના પિતા વિષ્ણુભાઇએ જણાવ્યું, "બીજા છોકરાઓને જોઈને અજયને પણ લગ્ન કરવાનું મન થતું. એ ક્યારેક પોતાની ઇચ્છા વ્યક્ત પણ કરતો. તેથી મેં પરિવાર સમક્ષ આ લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને પરિવારજનોએ હોંશથી એ સ્વીકારી લીધો."
અજયના કાકા કમલેશભાઈ બારોટ જણાવે છે, "બે મહિના પહેલાં મારા દિકરાના લગ્ન હતા, ત્યારે તેણે મને કહેલું કે, કાકા મારા લગ્ન ક્યારે. હવે આ સ્થિતિમાં તેના લગ્ન કરવા તો શક્ય નહોતા પણ અમારે તેની ઇચ્છા પૂરી કરવી હતી, તેથી અમે આ બીડું ઝડપ્યું."
"મેં આ પ્રસંગની આગેવાની લીધી. અમે ત્રણ-ચાર દિવસમાં જ આ સમગ્ર આયોજન કર્યું. મારી ઇચ્છા તો એવી હતી કે વિવિધ સંસ્થાઓના મૅન્ટલી ચેલેન્જ્ડ છોકરાઓને પણ આમંત્રણ આપીએ એ લોકો પણ આ લગ્નમાં મ્હાલે. પણ વેકેશનના કારણે એ શક્ય ન બન્યું."
વિષ્ણુભાઈ કહે છે, "સમગ્ર સમાજ અને પરિવારે એટલો ઉત્સાહ બતાવ્યો કે અમે ટૂંક સમયમાં ઘણાંને કંકોતરી ન મોકલી શક્યા તે લોકો પણ અમારા મૌખિક આમંત્રણને માન આપીને આનંદથી હાજર રહ્યા. ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા."
"અજયને એક પગનો બૉલ ઘસાઈ ગયો છે તેમજ તેને થાઈરૉઇડની પણ તકલીફ છે. તેથી તેને ઘોડે ચડાવવાનું મુશ્કેલ કામ પણ અમે પાર પાડ્યું. આ વખતે એના ચહેરા પર જે આનંદ અને ઉત્સાહ હતો, તે જોઈને અમારી આંખોમાં પણ હર્ષાશ્રુ હતાં."
આ લગ્નના આયોજન અને લગભગ 700થી 1000 લોકોના જમણવારમાં વિષ્ણુભાઇએ લગભગ એક લાખનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે.
 
 
15 દિવસ પહેલાંની સ્થિતિથી નિર્ણય દૃઢ થયો
વિષ્ણુભાઇ બારોટ જણાવે છે, "15 દિવસ પહેલાં તેને થાઈરૉઇડનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું અને બ્લડ પ્રેશર ઘટી ગયું હતું. એની સ્થિતિ એટલી ગંભીર હતી કે અમને ડર હતો કે તે હવે નહીં બચે. તેથી અમે નક્કી કર્યું કે તેની દરેક મનોકામના પૂરી કરવી જોઇએ."
"મારી બીજી પત્ની અને નાના દિકરાએ પણ મારો આ નિર્ણય સ્વીકાર્યો. પરિવારના સભ્યોએ આ સ્થિતિ પછી તેની દરેક ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો."
અજયના કાકા કમલેશભાઈ બારોટ જણાવે છે, "આમ અજય બધી રીતે હોંશિયાર છે. તેને બધું જ યાદ રહે અને બધું જ સમજે છે. એને પરિવાર કે કુટુંબનું કોઈ ક્યાંય લાંબા સમય પહેલાં મળ્યું હોય તો પણ તેને યાદ રહે. તેનું મગજ સારુ છે. તેથી તેની પણ લાગણીઓ હોય અને તેને પણ માન આપવું જોઈએ."
 
સમાજ અને પરિવારની વધામણી
સામાન્ય રીતે મૅન્ટલી ચેલેન્જ્ડ વ્યક્તિઓને સમાજ ઘણી વખત તિરસ્કારની નજરે જોતો હોય છે, પરંતુ પોપટ એટલે કે અજય બારોટ તેના ગામમાં એક ખુશ અને ઉત્સાહી વ્યક્તિ તરીકે જાણીતા છે.
આ અંગે વિષ્ણુભાઈ જણાવે છે, "પરિવાર અને ગામના લોકોએ અમારા આ પ્રસંગને એટલો ઉત્સાહથી અને આનંદથી વધાવ્યો કે, લોકો દૂર દૂરથી પણ ખાસ અમારા પ્રસંગમાં અજય માટે ખાસ આવ્યા અને જે લોકો નથી આવી શક્યા તેમના ફોન મને સતત આવી રહ્યા છે. 10 તારીખે લગ્ન થયા પણ મને બે દિવસ સુધી લોકોનો સતત શુભેચ્છા માટે ફોન આવી રહ્યા છે. અમને તો જાણે કોઈ યજ્ઞનું ફળ મળ્યું હોય એટલો આનંદ થઈ રહ્યો છે."
 
માત્ર થોડી તાલીમ અને સ્વીકૃતિની જરૂર
ચિન્મય રેસિડેન્શિયલ ઇન્સ્ટિટ્યુટ ફોર મૅન્ટલી ચેલેન્જ્ડ, અમદાવાદના ડિરેક્ટર પેરિન શુક્લ જણાવે છે, "અમારી પાસે હાલ 35 બાળકો છે. અમે તેમના તાલીમ અને અભ્યાસ દ્વારા સામાજિક પુનર્વસનનું કામ કરીએ છીએ."
પેરિન શુકલ જણાવે છે, "આ બાળકોને માત્ર યોગ્ય ઉંમરથી યોગ્ય તાલીમ અને સ્વીકૃતિની જરૂર હોય છે. આપણે ત્યાં મૅન્ટલી ચેલેન્જ્ડ બાળકોને લોકો તિરસ્કાર અને ઘૃણાની દૃષ્ટિએ જુએ છે. તેમને એક રૂમમાં બંધ રાખે છે, તેમને બહારના લોકો કે મહેમાનો સાથે હળવા-મળવા દેવામાં આવતા નથી."
"ઘણા કેસમાં માત્ર તેમની શીખવાની ક્ષમતા ધીમી હોય છે, પણ તેમની સ્વીકૃતિના ડરથી તેમને લોકોથી અને સમાજથી અલગ કરી દેવાય છે, તેથી સમયાંતરે તેઓ વધુ જિદ્દી અને ક્યારેક હિંસક બની જાય છે. તમે એક સામાન્ય બાળકને પણ જો લોકોથી દૂર રાખશો, પ્રેમ અને હૂંફ નહીં આપો અને ઘરની બહાર નહીં જવા દો તો એ પણ જિદ્દી થઈ જશે. તેથી આ બાળકોને વધુ કેળવણી અને હુંફની જરૂર હોય છે."