શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 માર્ચ 2019 (14:48 IST)

કૉપી કેસ વિવાદ: જીતુ વાઘાણીનો સ્વીકાર, 'મારા દીકરાએ ભૂલ કરી છે, પરીક્ષા નહીં આપે'

ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં કૉપી કેસમાં ઝડપાયા હતા. ભાવનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષાઓમાં ભાવનગરની એક કૉલેજમાંથી પરીક્ષા આપી રહેલા મીત વાઘાણી નકલ કરી રહ્યા હોવાના આરોપસર બ્લોક સુપરવાઇઝર દ્વારા કૉપી કેસ કરવામાં આવ્યો હોવાનું ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જણાવે છે.
 
આ અંગે શુક્રવારે જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે "લોકશાહીમમાં જે નિયમો હોય એ તમામ નિયમો મારા પરિવારને પણ લાગુ પડશે."
"મારા દીકરાએ ભૂલ કરી છે એવું હું માનું છું, યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જોઈએ." "મારા પરિવારે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી પેપર આપવા નહીં જાય."
 
પત્રકાર પરિષદમાં પત્રકારોએ જીતુ વાઘાણીને પૂછ્યું હતું કે યુનિવર્સિટી સત્તાધીશો પર જીતુ વાઘાણીએ દબાણ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે, એ વિશે આપ શું કહો છો?
જીતુ વાઘાણીએ આવી ચર્ચાને ખોટી ગણાવી હતી અને આ પ્રકારના દાવાને નકારી કાઢ્યા હતા.
 
આ ઉપરાંત બીબીસીએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ મિટિંગમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
 
આ અંગે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર વગેરે લોકોનો સંપર્ક કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો છે પરંતુ થઈ શકયો નથી.