રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By કમલેશ અને ભૂમિકા રાય|
Last Updated : શનિવાર, 6 એપ્રિલ 2019 (12:08 IST)

UPSC 2018: પ્રથમ પ્રયાસે પાસ થનારા આ ટૉપરોએ કેવી રીતે કરી હતી તૈયારી?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સેવા પરીક્ષા 2018ના પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં કનિષ્ક કટારિયા ટૉપર રહ્યા છે. આ પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓને આઈએએસ, આપીએસ અને અનેક કેન્દ્રીય સેવાઓ માટે પસંદ કરવામાં આવે છે.
 
આઈઆઈટી બૉમ્બેથી ગ્રૅજ્યુએટ કનિષ્ટ રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. તેમણે પ્રથમ પ્રયાસમાં આ સફળતા પ્રાપ્ત કરી લીધી છે. UPSCની મુખ્ય પરીક્ષામાં આ વખતે 10,468 પરીક્ષાર્થી સામેલ થયા હતા. જેમાં 759 પરીક્ષાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. સફળ પરીક્ષાર્થીઓમાં 182 યુવતીઓ છે. ટૉપ 25માં 15 યુવકો અને 10 યુવતીઓ સામેલ છે.
રાજસ્થાનના કનિષ્ક બન્યા ટૉપર
 
બીબીસી સાથે ખાસ વાતચીતમાં કનિષ્કે કહ્યું કે તેમને એવી આશા ન હતી કે તે પરીક્ષામાં ટૉપ કરશે.
 
તેમણે કહ્યું, "પેપર અને ઇન્ટરવ્યૂ સારાં ગયાં હતાં. આ મારો પ્રથમ પ્રયાસ હતો પરંતુ ટૉપ કરીશ એવી આશા ન હતી." સિવિલ સેવા પરીક્ષામાં કનિષ્કનું ઑપ્શનલ પેપર ગણિત હતું. તેઓ કહે છે, "7-8 મહિના દિલ્હીમાં કોચિંગ ક્લાસ કર્યા હતા. પરીક્ષા પહેલાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી."
 
"તે સમયે મને પરીક્ષા મામલે કોઈ વધારે જાણકારી ન હતી એટલે કોચિંગ ક્લાસ કરવા પડ્યા."
 
"કોચિંગની મદદથી મેં બૅઝિક નૉલેજ હાંસલ કર્યું હતું. જે બાદ ગયા વર્ષના માર્ચથી લઈને પરીક્ષા સુધી ઘર પર સેલ્ફ સ્ટડી કરી હતી."
 
બૉમ્બે આઈઆઈટીથી ગ્રૅજ્યુએટ થયા બાદ તેમણે દોઢ વર્ષ સુધી દક્ષિણ કોરિયામાં નોકરી કરી હતી. કનિષ્કના પિતા પણ સિવિલ સેવામાં જ છે અને તેમની પણ ઇચ્છા હતી કે કનિષ્ક સિવિલ સેવામાં આવે.

કૉલેજમાં ઍડમિશનના એક વર્ષ બાદ જ સૃષ્ટિ જયંત દેશમુખે સિવિલ સેવા પરીક્ષામાંને પોતાનું લક્ષ્ય બનાવી લીધું હતું. એ વખતે તેમણે જે નક્કી કર્યું તે આજે તેમણે પામી લીધું છે.
 
મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેનારા સૃષ્ટિ જયંત દેશમુખ સિવિલ સેવા પરીક્ષા આપનારી મહિલાઓમાં ટૉપર રહ્યાં છે અને તેમણે પાંચમો ક્રમ હાંસલ કર્યો છે. સૃષ્ટિએ તેમના પ્રથમ પ્રયાસમાં જ સફળતા પ્રાપ્ત કરી લીધી છે. સૃષ્ટિ કહે છે કે તેમણે નક્કી કરી લીધું હતું કે ભલે કંઈ પણ થાય પરંતુ પરીક્ષા પાસ કરવી છે અને સારા માર્ક લાવવા છે.
 
કેમિલક એન્જિનિયરીંગ કર્યા બાદ પણ સિવિલ સેવા પરીક્ષા આપવાનો નિર્ણય લેવા મામલે તેઓ કહે છે, "કૉલેજના બીજા-ત્રીજા વર્ષમાં જ મેં મારી તૈયારીઓ શરૂ કરી દીધી હતી."
 
"ત્યારે મને લાગ્યું કે સિવિલ સેવા દ્વારા જેટલું સીધું જ સમાજને યોગદાન આપી શકીશ એટલું કામ કેમિકલ એન્જિનિયરિંગ કરીને નહીં કરી શકું."
સૃષ્ટિએ સ્કૂલથી લઈને સિવિલ સેવા પરીક્ષા સુધીની સફર ભોપાલથી જ પૂર્ણ કરી હતી.
 
તેમણે સ્કૂલનો અભ્યાસ ભોપાલમાં એક કૉન્વેન્ટ સ્કૂલમાંથી કર્યો. જે બાદ 2018માં શહેરની એલએનસીટી કૉલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી.
 
તેમણે ભોપાલમાં જ રહીને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ કરી હતી. પોતાની તૈયારીને લઈને સૃષ્ટિ કહે છે કે દિલ્હી માત્ર ઇન્ટરવ્યૂ માટે આવ્યાં હતાં. ભોપાલમાં જ ક્લાસ કર્યાં અને ઇન્ટરનેટની મદદ લેતાં રહ્યાં.
 
'તૈયારીમાં રૉકેટ સાયન્સ જેવું કશું ન હતું'
 
કનિષ્કે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે આ પરીક્ષા પાસ કરનારા કેટલાક સીનિયર પાસેથી તેમણે મદદ લીધી હતી અને એક ચોક્કસ રણનીતિથી તેમણે તૈયારી કરી હતી.
 
તેઓ કહે છે, "સીનિયરોએ મારી મદદ કરી અને મેં તેમને તેમની પદ્ધતિ વિશે પૂછ્યું હતું, જેમાં થોડો ફેરફાર કરીને મેં તૈયારી કરી હતી. આ કોઈ રૉકેટ સાયન્સ જેવી વાત ન હતી."
 
સિવિલ સેવા પરીક્ષામાં ટૉપરે 2010માં આઈઆઈટી જેઈઈ પરીક્ષામાં 44મો રૅન્ક હાંસલ કર્યો હતો. 10મા અને 12મા ધોરણમાં પણ તેમણે 90 ટકાથી વધારે માર્ક હાંસલ કર્યા હતા.
 
કનિષ્કને ક્રિકેટ અને ફૂટબૉલ જેવી રમતો જોવી ખૂબ પસંદ છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી તેમના ફેવરિટ ક્રિકેટર છે.
 
ક્રિકેટનો શોખ ધરાવતા કનિષ્ક ફિલ્મો જોવાનું ખૂબ જ પસંદ કરે છે.
 
સૃષ્ટિએ કેવી રીતે કરી તૈયારી?
 
વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કોચિંગ માટે મોટા શહેરોમાં જતા હોય છે પરંતુ સૃષ્ટિએ ઘરે રહીને કોચિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
 
આ મામલે તેઓ કહે છે,, "અહીં રહેવાના કેટલાક ફાયદા નુકસાન પણ છે. ફાયદો એ છે કે મમ્મીના હાથનું ખાવાનું મળે અને સાંજે પપ્પાને મુશ્કેલીઓ વિશે કહી શકાય."
 
"ક્યારેક ક્લાસમાં એવું લાગતું હતું કે કોઈ કમી ના રહી જાય. દિલ્હીમાં વધારે સારા શિક્ષકો અને કોચિંગ સેન્ટરો છે. જોકે, મેં મારા ખુદ પર ભરોસો રાખ્યો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી રહી."
 
"ટેસ્ટ સિરિઝ દ્વારા તૈયારી કરી. દિલ્હીમાં થતા અભ્યાસ સાથે પણ સંપર્કમાં રહી અને મને લાગે છે કદાચ આ જ રીતે હું આ કરી શકી."
 
સૃષ્ટિના પિતા એન્જિનિયર છે અને માતા શિક્ષિકા છે. ઘરમાં દાદી છે અને નાનો ભાઈ સ્કૂલમાં છે.
 
સૃષ્ટિ કહે છે કે અલગ-અલગ વિષયો અનુસાર સમય નક્કી કરીને તૈયારી કરતાં હતાં. તેમનું ઑપશનલ પેપર સોશિયોલૉજી હતું. કરંટ અફેર્સ પર પણ ખૂબ જ ધ્યાન આપ્યું. થાક કે કંટાળા બાદ તે મ્યુઝિક સાંભળતાં હતાં અને આરામ કરતાં હતાં.
 
આ પરીક્ષાની તૈયારી કરનારાને તેઓ સલાહ આપે છે, "કરંટ અફેર્સ સાથે જોડાયેલા રહો. પેપરમાં તેના સંબંધિત ઘણી બાબતો પૂછવામાં આવે છે. અખબાર વાંચતા રહો. કોઈ એક જ રીત પર ભરોસો ના કરો. અલગ-અલગ ટેસ્ટ સીરિઝ આપીને અથવા ઘણી જગ્યાએથી માહિતી લેતા રહો."
 
"માનસિક રીતે ખુદને મજબૂત બનાવો. ક્યારેક ચિંતા થવી સ્વાભાવિક છે પરંતુ તમારા પ્રયત્નો પર ભરોસો રાખો. યોગા અને ધ્યાન જેવા તરીકાઓ અપનાવી શકો છો."