વડોદરાના શહીદ જવાનની નિકળી અંતિમ યાત્રા, ભીની થઇ સંસ્કારીનગરીની આંખો
વડોદરા: દેશની સરહદે રક્ષા કરતાં વડોદરાનો વધુ એક જવાને શહીદી વ્હોરી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતાં બીએસએફના જવાન સંજય સાધુ આસામ સરહદે પેટ્રોલીંગ દરમ્યાન શહીદ થયા હતા. જેને પગલે વડોદરામાં તેમનાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આસામમા શહીદ થયેલા જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ વડોદરામાં લવાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સન્માન સાથે જવાનને અંતિમ વિદાય આપવામાં આવશે. જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવશે.
દેશની સેના તેમજ સુરક્ષા દળોમાં ફરજ બજાવતાં વડોદરાના જવાનો એક પછી એક શહીદ થઇ રહ્યાં છે. દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાનાં બુલંદ ઇરાદાઓ દેશના સીમાડા સાચવતાં જવાનો પૈકી વડોદરાનો વધુ એક જવાન વીરગતિ પામ્યો છે. જેને પગલે શહેરનાં ગોરવા વિસ્તારમાં માતમનો માહોલ સર્જર્યો છે. દેશના દુશ્મનોના દાંત ખાંટા કરવાના મક્કમ મનોબળ સાથે 10 વર્ષ અગાઉ બીએસએફમાં જોડાયેલા વડોદરાના સંજય સાધુનું છેલ્લા ઘણા સમયથી આસામ ખાતે પોસ્ટિંગ હતું.
પરિવારને તેમનાં લાડકવાયાની શહીદી પર ગર્વ તો છે જ સાથે ત્રણ કુમળા ભૂલકાંઓને પિતાનું છત્ર ગુમાવવાનું દુઃખ પણ છે. સંજય સાધુની શહીદીનાં સમાચાર મળતાં જ ગોરવા તેમનાં નિવાસસ્થાને સગાં સંબંધીઓ, મિત્રો તેમજ વિસ્તારનાં નાગરિકો પહોંચી રહ્યાં છે અને શહીદ સંજય સાધુનાં પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી રહ્યાં છે. વારે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકો તેમને સલામી આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, મુસ્લિમ બિરાદરોએ પણ ચાદર ઓઢીને તેમનુ સન્માન કર્યું હતું. અંતિમ યાત્રા બાદ શહીદ સંજય સાધુના પાર્થિવ દેહને ગોરવા સ્મશાન ગૃહે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખુબ ટુંકા ગાળામાં વડોદરાએ આ બીજો સપૂત ગુમાવ્યો છે. થોડાં દિવસ અગાઉ કાશ્મીરમાં દુશ્મનની ગોળી ઝીલી વડોદરાનાં નવાયાર્ડ વિસ્તારનો સપૂત આરીફ પઠાણ શહીદ થયો હતો.