શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 21 જૂન 2024 (15:55 IST)

અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલ થશે, પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે

શહેરમાં વધી રહેલા ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. જેથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે પણ તેમની સામે પોલીસ કેસ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રોંગ સાઈડ વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે. 
 
આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઈવ યોજવામાં આવશે.શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.
 
31 જૂન સુધી 10 દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન 
આ અંગે ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ડ્રાઈવ શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે. ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે. રોંગ સાઈડમાં જતા વાહનચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ બન્ને ગુનો દાખલ કરી શકશે. દરેક વિસ્તારમાં રોંગ સાઈડ જતા બે-બે સ્પોર્ટ આઇડેન્ટીફાય કર્યા છે.પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યો છે કે, રોંગ સાઈડથી આવતા વાહનોના કારણે અકસ્માતના બનાવ બનતા હોય છે તો તેના કારણે અમે 22 જૂનથી લઈને 31 જૂન સુધી 10 દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરીએ છીએ. 
 
મુખ્ય હેતુ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને અટકાવવાનો છે
ટ્રાફિક જેસીપીએ ઉમેર્યું  હતું કે, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને અટકાવવાનો છે. રોંગ સાઈડથી જે વાહનો આવતા હોય છે તેમના વિરુદ્ધ 184 અંતર્ગત કાર્યવાહી કરીએ છીએ પરંતુ, આ ડ્રાઈવમાં અમે તે ચાલકો વિરુદ્ધ 279 અને 184 અંતર્ગત ગુનો દાખલ કરીને FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ આ ડ્રાઈવનો ભાગ બનશે. પ્રાથમિક દૃષ્ટિએ આ ડ્રાઈવની શરૂઆત મેઈન રોડ પર બેફામ સ્પીડથી જે વાહનો આવે છે તેની વિરુદ્ધ કાર્યવાહીથી શરું કરીશું અને ત્યારબાદ અંદરની તરફના રોડમાં શરું કરીશું.