શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (10:00 IST)

ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોનાં પરિણામોના આધારે ગુજરાતની ચૂંટણીનો નિર્ણય લેવાશે

ગુજરાત ભાજપમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઇને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ પાર્ટીની નજર ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર છે. જો આ ચૂંટણીના પરિણામ ભાજપ માટે પ્રોત્સાહક રહેશે તો ગુજરાતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં આવી જશે. અન્યથા ચૂંટણી તેના નિયત સમય પ્રમાણે જ યોજાશે.ગુજરાત ભાજપના સૂત્રો જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપ ફરી એક વખત સરકાર બનાવવાની દિશામાં છે, જો ચૂંટણીમાં પાર્ટી 403 બેઠકોમાંથી બંપર માત્રામાં વિજય મેળવશે તો ગુજરાતમાં પણ ચૂંટણી નજીક છે તે માની લેવું. તે જીતની લહેરમાં જ ગુજરાતમાં પણ ભાજપ માટે સારૂં વાતાવરણ ખડું થશે. પરંતુ હજુ આ માટે થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરાઇ રહી છે. જો કે પક્ષમાં તૈયારી તે મુજબ જ થઇ રહી છે કે ગમે ત્યારે ચૂંટણી આવે તો પ્રયાસો ઓછાં ન પડે. આ તરફ એવી પણ વાત જાણવા મળી છે કે જો ઉત્તર પ્રદેશમાં પરિણામોમાં ભાજપની બેઠકો સારી એવી માત્રામાં ઘટી જાય તો ગુજરાતમાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકીય પ્રયોગો કરવાનું સલામતી ખાતર ટાળી દેશે. પાર્ટીમાં હાલ વર્તમાન ધારાસભ્યો અને ગઇ ચૂંટણીમાં હારેલાં ઉમેદવારોની ટીકીટો કપાઇ જાય તેવું જાણમાં આવ્યું છે, પરંતુ ઉત્તરપ્રદેશના વિપરીત પરિણામો આવશે તો ગુજરાતમાં આવાં પ્રયોગો પર બ્રેક વાગી જશે. નો રીપીટ થિયરી મોટા પાયે લાગુ કરવાથી ઘણાં સિનિયર ધારાસભ્યો કે નેતાઓ નારાજ થઇ શકે છે. આવાં કિસ્સામાં તેઓ નિષ્ક્રીય થઈ જાય કે પાર્ટી વિરુદ્ધ કામ કરે તો ગુજરાતમાં ભાજપની મહત્તમ બેઠકો જીતવાની આશા પર પાણી ફરી વળી જાય તેવું બને. આથી આવું સાહસ કરવાને બદલે પાર્ટી અમુક બેઠકોને બાદ કરતાં નો રીપીટ થિયરી નહીં અપનાવે, તેનાથી વિરુદ્ધ જો ઉત્તરપ્રદેશમાં ખૂબ સારાં પરિણામો આવશે તો પાટીલ નો રીપીટ થિયરી લાગુ કરીને કાપકૂપ કરવાથી અચકાશે નહીં.