શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (13:06 IST)

અમદાવાદમાં નારણપુરામાં 19 એકરમાં રૂ.584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

અમદાવાદ શહેરને હવે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખવામાં આવે તો નવાઈ નહીં. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. હવે નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે.

કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનો રહેશે.આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.