રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (21:10 IST)

રાજ્યના આદિજાતિ વિસ્તાર ૩ તાલુકાના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ભરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ, માલપુર મોડાસાને  ખેતીવાડી માટે સિંચાઇની સુવિધા આપવા ૧૧૭ કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત મેઘરજના ૧૯, માલપુરના ૩૬ અને મોડાસાના ૫ તળાવ મળી કુલ ૪૮ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે.  
 
એટલું જ નહિ સિંચાઇથી વંચિત એવા ૪૬૯૫ એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે. આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને આર્થિક સદ્ધરતા પણ  પ્રાપ્ત થશે.
 
મુખ્યમંત્રીએ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ૫૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વન બંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6642 કરોડ ના માતબર ખર્ચે નાની મોટી૧૬૪૪ યોજનાઓ મારફત કુલ ૫,૪૩,૦૬૭ એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા  આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે.
 
રાજ્યના ૧૪ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પ૪ તાલુકાઓમાં આદિજાતિ વિસ્તારો મોટાભાગે ઉંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. 
 
મુખ્યમંત્રીએ આ વિસ્તારોમાં સિંચાઇના પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી તેના નિરાકરણ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૦ ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇયોજનાઓ હાઇ લેવલ કેનાલ, નાનામોટા ચેકડેમો, લીફ્ટ ઇરીગેશન સ્કીમ તથા ઉદ્દવહન સિંચાઇ યોજનાના કામો મોટાપાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરીત કર્યા છે.
 
તદનુસાર, મુખ્યત્વે ૧૩ મોટી ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ,  ૩૪૪ લીફ્ટ ઇરીગેશન સ્કીમ ર૩૮ નાની મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩૨ નાના મોટા ચેકડેમો તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવોમાંથી વનબંધુ વિસ્તારોની ૫,૪૩,૦૬૭ એકર જમીનને સિંચાઇનો લાભ પહોંચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા વનબંધુ વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા માટે હવે વધુ એક સંવેદના પૂર્ણ અભિગમ દર્શાવીને  મધ્ય ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાને હરીયાળા  બનાવવા રૂ. ૧૧૭.૧૩ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે.
 
અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક જળાશયમાં પાણીની ઉપલબ્ધિ હોવા છતાં આ વિસ્તારમાં સિંચાઇ માટે પૂરતુ પાણી આપી શકાતું ન હતું. બહુધા આ વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે  અને સિંચાઇ કે પીવાના પાણી ની સમસ્યા રહે છે.  
 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ સમસ્યા અંગે રજૂઆત આવતા તેમણે આ વિસ્તારના આગેવાનોએ કરેલી રજૂઆતોનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપીને આ યોજના મંજૂર કરી છે.વિજય રૂપાણીના આ નિર્ણયને પરિણામે મેઘરજ માલપુર અને મોડાસા તાલુકાના કુલ મળીને ૪૮ ગામોને લિફ્ટ ઇરીગેશનથી સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે પાણી મળતું થશે. એટલું જ નહીં ખેડૂતો કપાસ,તુવેર, ઘઉ, મકાઈ જેવા પાક માટે પૂરતું પાણી મેળવી ને વધુ પાક ઉત્પાદનથી  વધુ આવક રળી શકશે. 
 
મુખ્યમંત્રી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જલુંદ્રાથી કોજણ ડેમ થઇ હિંમતનગર તાલુકા ના રાયગઢ  સુધીની ઉદ્દવહન સિંચાઇ યોજનાની રૂ.૨૩૪.૩૭ કરોડની મંજૂરી આપવામાં  આવી છે. જેનાથી સાબરકાંઠા જિલ્લાના ૭૪૦૦ એકર વિસ્તારને સિંચાઇ સુવિધા પ્રાપ્ત થશે.