રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો
ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લીધાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરી છે. બંનેને વેક્સિન સુરક્ષિત છે અને લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 38869 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2624 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 409 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
હાલ હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ રહેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષકે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી એ સ્થિતિએ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 212 કેસ દાખલ હતા, હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.