ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કહ્યું, 'હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી'
ગુજરાતમાં હેલ્મેટને લઈને થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે સોમવારે હાઈકોર્ટમાં કહ્યું કે એમણે હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી.
ગુજરાત સરકારનું કહેવું છે કે એમણે હેલ્મેટ મરજિયાત બનાવવા અંગે કોઈ જાહેરનામું કે હુકમ પસાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં વાહનવ્યવહારમંત્રી આર.સી. ફળદુએ કૅબિનેટની મિટિંગમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.
એ સમયે ફળદુએ મીડિયા સામે જણાવ્યું કે "રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં રહે. તેમજ હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ પોલીસ કોઈ દંડ નહીં કરી શકે."
"નગરપાલિકા અને મહાનગરપાલિકાના સિવાયના તમામ માર્ગો અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત છે."
ગુજરાત સરકારની આ જાહેરાત સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. આ અરજીના જવાબમાં રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી હતી.
આ નોટિસમાં જવાબ આપતા સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કર્યો હોવાનું નિવેદન ફેરવી તોળ્યું છે.
જોકે, ગુજરાત હાઈકોર્ટે સરકારને આ અંગે સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.