શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (15:46 IST)

જૂથબંધી ભાજપને નડી શકે છે ભાજપના દાવેદારો મૂંઝવણમાં

ગુજરાતમાં કોંગ્રેસમાં રહેલી જૂથૂબંધી જગજાહેર છે અને ભાજપની ડિસીપ્લીન સૌની સામે છે. ત્યારે ભાજપમાં હાલમાં ઉકળતા ચરુની જેમ ફાટી નિકળેલી જૂથ બંધીએ ચર્ચાઓ જગાવી છે. એક તરફ, ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ ભભૂક્યો છે. તો બીજી તરફ, ભાજપમાં જૂથબંધી ચરમસિમાએ પહોંચી છે જેથી ભાજપ માટે કફોડી દશા સર્જાઇ છે. આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથ વચ્ચેની આંતરિક લડાઇને પગલે હવે દાવેદારો મૂંઝાયા છે. કોણ કપાશે અને કોણ ફાવશે તે મુદ્દે રાજકીય અનુમાનો થવા માંડયાં છે. આ જૂથબંધી ભાજપના વિજયમાં અવરોધ બની શકે છે તેવા ભયથી ભાજપના નેતાઓ ચિંતિત બન્યાં છે. ગુજરાતમાં ભાજપમાં જૂથબંધીને પગલે આ વખતે ઉમેદવારોની પસંદગી કરવી ભાજપની નેતાગીરી માટે વધુ કઠિન બની રહેશે. ભાજપે કોંગ્રેસના બાગીઓને પક્ષમાં પ્રવેશ કરાવી કેટલાંય ભાજપીઓના ધારાસભ્ય બનવાના અરમાન પર પાણી ફેરવી દીધુ છે. એટલું જ નહીં, મોટાભાગના વર્તમાન ધારાસભ્યો પ્રત્યે સ્થાનિક નેતાઓએ અત્યારથી મોરચો માંડી દીધો છે. જો ટિકીટ અપાશે તો હરાવવા સુધીની ચિમકી આપી દેવાઇ છે. મહત્વની વાત એછેકે, એક બેઠક પર ૨૦થી માંડીને ૫૦ ભાજપીઓએ દાવેદારી નોંધાવી દીધી છે. આ કારણોસર ઉમેદવારની પેનલ જ બનાવવી મુશ્કેલ બની રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૦૦ બાયોડેટા કમલમમાં પહોંચ્યાં છે. આનંદીબેન-અમિત શાહની જૂથબંધીને લીધે બન્ને જૂથના દાવેદારોએ સામસામે દાવેદારી નોંધાવી દીધી છે. દિવાળી બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પેનલો તૈયાર કરવામાં આવશે. અત્યારે તો એવી સ્થિતી સર્જાઇ છેકે, કોને ટિકીટ મળશે તે કહી શકાય તેમ નથી. જૂથબંધીને પગલે ટિકીટની વહેંચણી બાદ ભાજપમાં ભડકો થવાની દહેશત છે તેમ ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે.