ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 19 જૂન 2015 (17:55 IST)

14% ટેક્સ BSNL વસૂલી લીધો

બીએસએનએલના દ્વારા તેના ગ્રાહકો પાસેથી 1 લી જૂનથી થયેલા સર્વિસટેક્સના વધારાની અમલવારી પહેલાં જ વધુ ૧.૬૪ ટકા સર્વિસટેક્સ વસૂલાતો હોવાની ફરિયાદો ઊઠી છે. ૧લી મેથી ૩૧મી મેના સમયગાળા દરમિયાનના લેન્ડ લાઇનનાં આપવામાં આવેલા બિલમાં ગ્રાહકો પાસેથી ૧૪ ટકા લેખે સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો હોવાના લીધે ગ્રાહકોએ બીએસએનએલના ફાઇનાન્સ વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. જે સમયગાળામાં સર્વિસ ટેક્સનો દર ૧૨.૩૬ ટકા હતો તે સમયનો ટેક્સ ૧૪ ટકા કેવી રીતે લઇ શકાય તેવી દલીલો ગ્રાહકો કરી રહ્યા છે. પરંતુ બીએસએનએલના અધિકારીઓ તો આટલી વ્યાપક પ્રમાણમાં મળતી ફરિયાદોના પગલે મૂંઝાયા હતા. 

ગ્રાહકોની ફરિયાદના પગલે બીએસએનએલના ચીફ જનરલ મેનેજર અનિલકુમારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમના સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા પોઇન્ટ ઓફ ટેક્સેસનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જે સમયે બિલ આપવામાં આવ્યું હોય તે સમયે જે ટેક્સનો દર હોય તે વસૂલવો.જેના પગલે બીએસએનએલ દ્વારા જે બિલ આપવામાં આવ્યા છે તે પહેલી જૂન પછી આપવામાં આવ્યાં હોવાથી ૧૪ ટકા વસૂલવામાં આવ્યા છે. અમારી પાસે ફરિયાદો પણ આવે છે પરંતુ અમે નિયમ મુજબ જ ટેકસ વસૂલીએ છીએ. આ સંપૂર્ણપણે કમ્પ્યૂટરાઇઝ એક સરખી બિલિંગ પ્રક્રિયા દેશભરના ગ્રાહકો માટેની છે. 

સામાન્ય નાગરિકો પાસેથી અન્ય સેવાઓમાં પણ જો ૧લી જૂન પછીથી બિલ આપવામાં આવશે તો તેણે અગાઉ સેવા લીધી હોય તો પણ ૧૨.૩૬ ટકાના બદલે ૧૪ ટકાના દરે જ ટેક્સ ભરવો પડશે. ઇન્સ્યોરન્સથી લઇને નાની મોટી તમામ સેવાઓ પણ વાપર્યું નહીં હોય તેવા બિલમાં એટલે કે મે મહિનાના કે એપ્રિલ મહિનાના જૂના બિલમાં પણ ૧.૬૪ ટકાનો નવો બોજો લાગશે.