શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (09:16 IST)

France Violence : પેરિસ બાદ બીજા સૌથી મોટા શહેરમાં હિંસા અને આગચંપી, મૃતક નાહેલનાં નાનીએ શાંતિની અપીલ કરી

France Violence
France Violence
France Violence - ફ્રાન્સમાં સતત પાંચ દિવસથી હિંસા ચાલી રહી છે. પેરિસ બાદ બીજાં શહેરો પણ હિંસાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જે 17 વર્ષીય નાહેલના પોલીસની ગોળીથી થયેલા મૃત્યુ બાદ દેશ હિંસામાં સળગી રહ્યો છે, તે નાહેલનાં નાનીએ દેશમાં શાંતિની અપીલ કરી છે.
 
નાહેલ એમનાં નાની નાદિયાએ કહ્યું કે, અમે નથી ઇચ્છતાં કે તેઓ બસો, દુકાનો અને સ્કૂલોને આગ ચાંપે. તેઓ નાહેલના બહાને આવું કરી રહ્યા છે. નાહેલાનાં નાનીએ ફ્રાન્સના બીએફએમ ટીવીને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છીએ.
 
ગોળી મારવાના આરોપમાં પકડાયેલા પોલીસ અધિકારી માટે દાન એકઠું થતાં તેમણે કહ્યું, મારું હૃદય દુ:ખે છે. જોકે તેમણે આરોપી પોલીસ અધિકારીને અન્ય કોઈની પણ જેમ સજા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પેરિસ બાદ દેશના સૌથી મોટા શહેર મસ્સેથી સામે રવિવારે જે વીડિયો આવ્યા તેમાં પોલીસ અશ્રુગેસના શેલનો ઉપયોગ કરતી જોઈ શકાય છે. વીડિયોમાં લોકો ભાગદોડ કરતા પણ જોઈ શકાય છે.
 
હિંસા ફેલાવવાના આરોપમાં આ શહેરમાં અત્યાર સુધીમાં 56 લોકોની ધરપકડ કરાઈ છે. સૅન્ટ્રલ પેરિસમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. જેના કારણે હવે પ્રદર્શનકારીઓ બહાર નીકળીને ઉપદ્રવ નથી કરી શકતા. બીજી તરફ તમામ વચ્ચે પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા યુવાન નાહેલ એમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શામેલ થયા. એક ટ્રાફિક સ્ટૉપ પર ન રોકાવવા બદલ નાહેલને એક પોલીસકર્મીએ એકદમ નજીકથી ગોળી મારી હતી.
 
પેરિસના ઉપ શહેર નાનતૅરેમાં નાહેલના મૃત્યુ બાદ સમગ્ર ફ્રાન્સ હિંસાની ઝપેટમાં છે. દેશના રસ્તા પર અંદાજે 45 હજાર પોલીસકર્મીઓ સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. ગૃહમંત્રી જેરાલ્ડ દારમેનિને હિંસાને રોકવામાં કાર્ય કરી રહેલા પોલીસકર્મીઓના વખાણ કર્યા છે. અને કહ્યું કે “તેમના કારણે ગઈ રાતે ‘પ્રમાણ’માં શાંતિ રહી.”

 
ગૃહમંત્રાલયે કહ્યું કે“હિંસા કરવાના આરોપમાં વધુ 486 લોકોની ધરપકડ કરાઈ છે. શુક્રવારે 1300 લોકોની ધરપકડ કરાઈ હતી. તો, ગુરુવારે 900 લોકોને પકડવામાં આવ્યા હતા.” 
 
ફ્રાંસના બીજા મોટા શહેરમાં સ્થિતિ બેકાબૂ
 
આ તમામ વચ્ચે, મસ્સેમાં શનિવારે સાંજે પોલીસકર્મીઓ અને ઉપદ્રવીઓ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. આ શહેરની વચ્ચોવચ લા કેનબિયે વિસ્તારમાં પોલીસકર્મીઓ અને ઉપદ્રવીઓ એક બીજા પર હુમલો કરતા જોવા મળ્યા. ફ્રૅન્ચ મીડિયાના રિપોર્ટ અનુસાર ‘હિંસા, આગચંપી કરનારા લોકો અને પોલીસ વચ્ચે ટક્કર થઈ.’ 
 
પેરિસમાં જાણીતા શૉન્ઝ-એલિઝે પાસે મોટી સંખ્યામાં પોલીસ જોવા મળી. પ્રદર્શનકારીઓ તરફથી સોશિયલ મીડિયા પર એકતાની અપીલના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી રહ્યા છે. જેના કારણે પોલીસનું કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે. જોકે, પોલીસના જોર લગાવવાના કારણે પ્રદર્શનકારીઓની સંખ્યા ઘટી છે.
 
પેરિસમાં પોલીસે 126 લોકોની ધરપકડ કરી છે. હિંસા અને આગચંપીના કારણે સતત બીજા દિવસે રાત્રે નવ વાગ્યા બાદ બસ અને ટ્રામ ન ચાલ્યા.
ઉત્તરી શહેરમાં સ્પેશ્યલ પોલીસ ફૉર્સ ફ્લેગ માર્ચ કરતી જોવા મળી. અનેક જગ્યાએ ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ કાબૂમાં મેળવતા જોવા મળ્યા. પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાએ આગ ચાંપી હતી. મોટી સંખ્યામાં ગાડીઓને આગ ચાંપી દેવાઈ હતી. 
 
અધિકારીઓ મુજબ લિયોન શહેરમાં હિંસા ભડકાવવાના આરોપમાં 21 લોકોની ધરપકડ કરાઈ છે. નાઈસ અને સ્ટ્રાસબર્ગમાં પણ અથડામણ ચાલુ છે.
 
શનિવારે નાનતૅરેમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા 17 વર્ષના યુવાન નાહેલના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શામેલ થયા.
 
નાહેલનો મૃતદેહ પહેલાં મસ્જિદમાં મુકાયો હતો. અને બાદમાં દફનાવવા માટે તેને ત્યાંથી સ્થાનિક કબ્રસ્તાનમાં લઈ જવાયો.
 
આ દરમિયાન નાહેલના પરિવારજનોના સમર્થનમાં આવેલા લોકો ન્યૂઝ મીડિયાના લોકોને દૂર રહેવાનું કહેતા રહ્યા.
 
અંતિમ સંસ્કારની ક્રિયાઓના રેકૉર્ડિંગ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો. શોકસભામાં શામેલ થયેલા લોકોને આ વિધિને સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાથી પણ રોકાયા. 
 
મંગળવારે પોલીસે નાનતૅરેમાં 17 વર્ષના નાહેલને ટ્રાફિક ચેકિંગ માટે ન રોકાવવાના કારણસર ગોળી મારી દીધી હતી.
 
છેલ્લી પાંચ રાતથી ફ્રાંસનાં અલગ-અલગ શહેરોમાં પ્રદર્શનકારીઓએ આગચંપી, આતશબાજી કરી. જેમાં અનેક કાર અને સરકારી ઈમારતોને નુકસાન થયું છે.
 
 
 કોણ હતા નાહેલ?
 
પોલીસે જે 17 વર્ષીય નાહેલને ગોળી મારી તે પોતાની માતાના એકમાત્ર સંતાન હતા.
 
તે ડિલિવરી બૉય તરીકે કામ કરતા હતા. અને રગ્બીના લીગ ખેલાડી હતા.
 
તેમનો અભ્યાસ યોગ્ય રીતે નહોતો થયો. તેમને પોતાના શહેરથી નજીક સરેસનેસની કૉલેજમાં પ્રવેશ લીધો હતો.
 
જ્યાં તેમને ઇલેક્ટ્રિશિયન તરીકે ટ્રેનિંગ લેવા મોકલાયા હતા. નાનતૅરેમાં તેમના ઘરની આસપાસ રહેતા લોકોએ મુજબ 'તે સારા સ્વભાવના હતા.'
 
તેઓ પોતાનાં માતા મૉનિયા સાથે રહેતાં હતાં. તેમના પિતા અંગે કોઈને જાણકારી નથી. નાહેલનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી રહ્યો. પણ પોલીસ તેમને ઓળખતી હતી. જે દિવસે તેમને ગોળી મારવામાં આવી, તે દિવસે તેમણે પોતાનાં માતાને ડ્યૂટી પર જતી વખતે ખૂબ જ પ્રેમથી વિદાય આપી હતી.