આજે ગુજરાતનું પાટનગર ગાંધીનગર 52માં વર્ષમાં પ્રવેશ્યું
સમગ્ર દેશમાં જે ગ્રીન સીટી તરીકે ઓળખાય છે અને જે વડાપ્રધાન સતત 12 વર્ષ સુઘી જ્યાં મુખ્યમંત્રી તરીકે રહ્યાં એ ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે 52 વર્ષનું થઈ ગયું છે. ગાંધીનગરે તેની સ્થાપનાના 51 વર્ષ પુર્ણ કરીને 52માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજથી 51 વર્ષ પહેલાં 2 ઓગસ્ટ, 1965ના દિવસે ગાંધીનગરના નિર્માણનો પાયો મુકવામાં આવ્યો હતો.
આ દિવસને 30 વર્ષથી ગાંધીનગરના જન્મદિવસ તરીકે ઊજવાય છે ત્યારે આજે ગાંધીનગરના 52મા સ્થાપના દિવસે ગાંધીનગર શહેરમાં જન્મદિવસની ઉજવણી વિવિધ સ્થળો પર વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે. ગાંધીનગરના 52મા સ્થાપના દિવસ નિમિત્તે 30 વર્ષથી ઉજવણી કરતી ગાંધીનગરની જાણીતી સેવાકીય સંસ્થા ગાંધીનગર વસાહત મહામંડળ દ્વારા આજે જીઇબી કોલોની ખાતે પરંપરાગત રીતે કેક કાપીને શહેરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના કલ્ચરલ ફોરમ દ્વારા સોમવાર રાત્રે 12 વાગ્યે ટાઉનહોલ ખાતે પાટનગરના જન્મદિવસની કેક કાપીને ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું. રાજભવન સ્થિત રાજ્યપાલના નિવાસસ્થાને પણ ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. શહેરની જુદી જુદી શૈક્ષિણક સંસ્થાઓ દ્વારા પણ વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજીને પાટનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવનાર છે.