શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (15:41 IST)

AAPનું નવું માળખું જાહેર, ઈસુદાન ગઢવી હવે પ્રદેશ પ્રમુખ, જાણો ગોપાલ ઈટાલિયાને કયો હોદ્દો મળ્યો

ishudan gadhavi
ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટો બદલાવ થયો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હવે પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે અગાઉ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહેલા ઈસુદાન ગઢવી હવે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીએ આજે પાર્ટીનું નવું માળખું જાહેર કર્યું છે. જેમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ઈસુદાન ગઢવીની નિમણૂંક કરાઈ છે. જ્યારે ગોપાલ ઈટાલિયાની નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

તે ઉપરાંત અલ્પેશ કથીરિયાની સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ડ, ડો. રમેશ પટેલને ઉત્તર ગુજરાત, જગમલ વાળાને સૌરાષ્ટ્ર, જેવેલ વાસરાને મધ્ય ગુજરાત અને કૈલાશ ગઢવીને કચ્છ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યાં છે. એક સમયે કેજરીવાલ ગુજરાતમાં સત્તા પરિવર્તનનું સપનું જોતા હતાં અને જાહેર મંચ પરથી અનેક ગેરંટીઓ આપતાં હતાં પરંતુ તેની કોઈ જ અસર આ ચૂંટણીમાં જોવા મળી નથી. પરંતુ હવે પાર્ટી ફરીવાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તે ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે. ડેડિયાપાડા બેઠક પરથી જીતનાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પાણી અને વીજળી સહિતના મુદ્દે તંત્રને ચીમકી આપીને લોકોને સુવિધાઓ આપવા માટે જણાવ્યું છે.