શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2023 (09:25 IST)

કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો શું કહે છે અંબાલાલની આગાહી

cold wave
અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે કે તીવ્ર ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદની સંભાવનાને લઈને ડિઝાસ્ટર વિભાગ એલર્ટ પર છે. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ માલ ભીનો ન થાય તે માટે ખેતીવાડી અને બાગાયત વિભાગે સહકારી મંડળી સાથે ખેડૂતોને જાણ કરી છે. રાજ્યમાં કોલ્ડવેવનો પ્રકોપ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે.
 
હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કોલ્ડવેવની સ્થિતિ વ્યકત કરવામાં આવી રહી છે. જો કે થોડા દિવસો બાદ ઠંડીથી પણ રાહત મળી શકે છે.
 
તો બીજી તરફ જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. શિયાળુ પાકની સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક છાટા પણ પડી શકે છે. 
 
આજે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ વધારે રહેવાથી હજુપણ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે અને ઠંડીમાંથી આંશિક રાહત જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી છે.