શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શનિવાર, 13 મે 2023 (00:12 IST)

MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, સૂર્યકુમાર પછી રાશિદ ખાને તોફાની રમત રમીને જીત્યું સૌનું દિલ

Mumbai Indians beat Gujarat Titans
mumbai indians
IPL 2023 MI vs GT: આઈપીએલ 2023ની 57મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. આજે ગુજરાતની ટીમની હાર બાદ તેને પ્લેઓફની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે.   બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે તેમની 7મી જીત સાથે પ્લેઓફની લડાઈને રસપ્રદ બનાવી દીધી છે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજો મુકાબલો હતો.  અગાઉના મુકાબલામાં ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું હતું અને આ મેચમાં મુંબઈનો 27 રને વિજય થયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 
ટોસ હાર્યા બાદ  મેદાનમાં ઉતરેલા મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા (29) અને ઈશાન કિશન (31)એ મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆત અપાવી અને 6.1 ઓવરમાં 61 રન જોડ્યા. આ પછી સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યા  અને છેલ્લી ઘડી સુધી અણનમ રહ્યા. તેમણે નેહાલ વઢેરા (15) અને વિષ્ણુ વિનોદ (30) સાથે મહત્વની ભાગીદારી બનાવી. સૂર્યાએ 49 બોલમાં અણનમ 103 રન ફટકારીને IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. બોલિંગમાં આજે મુંબઈ તરફથી આકાશ માધવાલ ચમક્યો હતો અને તેમણે 31 રનમાં ત્રણ વિકેટ લઈને મુંબઈની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
રાશિદ ખાને જીત્યું દિલ   
219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ સારી શરૂઆત કરી શકી ન હતી કારણ કે તેણે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આકાશ મધવાલે બંને ઓપનર સાહા અને ગિલને આઉટ કર્યા હતા. ત્યાર બાદ જેસન બેહરનડોર્ફે કેપ્ટન હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલ્યો હતો. ગુજરાતની અડધી ટીમ 55 રન પર પેવેલિયન પરત ફરી હતી. વિજય શંકર (29) અને ડેવિડ મિલર (41)એ થોડી લડત આપી. રાહુલ તેવટિયાએ પણ 14 રન બનાવ્યા હતા પરંતુ તે મુંબઈના સ્કોર સુધી પહોંચી શક્યો નહોતો. અંતે, રાશિદ ખાને તેમનાં  IPL કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી અને શાનદાર ઇનિંગ રમીને ગુજરાતના ફેન્સનું મનોરંજન કર્યું. તેમણે 32 બોલમાં અણનમ 79 રન બનાવ્યા અને ટીમ માટે અંત સુધી લડત આપી. તેમણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આપણે કહી શકીએ કે રાશિદની આ ઈનિંગ બાદ મુંબઈએ મેચ જીતી લીધી પરંતુ રાશિદે દિલ જીતી લીધું. તેમણે 31 રનમાં ચાર વિકેટ પણ લીધી હતી.
 
પોઈન્ટ ટેબલમાં ફેરબદલ

મુંબઈ ઈન્ડિયન્સે ટેબલ ટોપર્સ ગુજરાત ટાઈટન્સને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સને 12મી મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં તે ટોચ પર છે. 7મી જીત બાદ મુંબઈના હવે 14 પોઈન્ટ છે. બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સ 15 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ચોથા સ્થાને રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ સાથે છે. શનિવારે ડબલ હેડર મેચ છે જેમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ એક્શનમાં જોવા મળશે. એટલે કે આવતીકાલે આ પોઈન્ટ ટેબલ ઘણું બદલાઈ શકે છે.