રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

વરસાદ પડશે ક્યારે...?: જ્યોતિષશાસ્ત્ર શું કહે છે?

P.R
ચોમાસું દ્વાર ખટખટાવી રહ્યું છે અને ચોમાસાની શરૂઆત પૂર્વે જ કેટલાંક સ્થળે વરસાદના અમી છાંટણા થઇ ચૂક્યાં છે. ત્યારે આગામી જૂન માસમાં ૭ થી ૨૧મી જુન દરમિયાન ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થવાની આગાહી જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવી છે.

જાણીતા જ્યોતિષાચાર્યએ ચોમાસા અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી ૭મી જુનથી ૨૧મી જુન દરમિયાન વિધિવત્ રીતે ચોમાસાની શરૂઆત થશે. તેઓએ ઉમેર્યુ હતુ કે આ વખતે ગત વર્ષોની સરખામણીમાં સારો વરસાદ વરસવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વળી ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તથા પુરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખેડુતો માટે આ વર્ષે સારા સંકેત જોવા મળે છે અને ખેતીલાયક વરસાદ વરસવાની સંભાવનાઓ છે. આ વર્ષે સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન પવનની ઝડપ સારી રહેશે. અને પવનની સાથે જ વરસાદ વરસશે.

ચોમાસાની વિધિવત્ શરૂઆત ૭ જૂનથી સૂર્ય જ્યારે મૃગશિર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વાહન હાથી હશે ત્યારે થશે. ચોમાસું આ વર્ષે નવેમ્બરની ૫મી તારીખ સુધી ચાલવાનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણવા મળ્યુ છે. જ્યોતિષશાસ્ત્રી ગિરીશભાઇ શુક્લએ જણાવ્યુ હતુ કે વરસાદનો આધાર સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ તેમજ તેના વાહન ઉપર હોય છે. સૂર્ય તેમજ અન્ય ગ્રહોના પરિભ્રમણના કારણે તેમજ પૃથ્વીના સૂર્યની આસપાસના પરિભ્રમણના કારણે ઋતુચક્ર બદલાતા હોય છે. જૂન માસના અંત તેમજ જુલાઇ માસના પ્રારંભ સાથે સારા વરસાદની આશા દેખાઇ રહી છે.

હાલ તો સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયા છે.અને મેઘરાજા ક્યારે પ્રસન્ન થાય અને વરસાદની એન્ટ્રી થાય તો વાતાવરણમાં ઠંડક પ્રસરે તેમ લોકો ઇચ્છી રહયા છે. સૌ કોઇ બળબળતા તાપમાં વરસાદના અમી છાંટણાઓ તનબદનને તૃપ્ત કરે તેની રાહ જોઇ રહ્યા છે.

- ક્યારે કેવો વરસાદ વરસશે?

- ૭.૬.૧૨ થી ૨૧.૬.૧૨ - સુર્ય મુગશિર્ષ નક્ષત્રમાં, વાહન હાથી, પવન ફુંકાય વરસાદની શરૂઆત

- ૨૨.૬.૧૨ થી ૪.૭.૧૨ - સુર્ય આદ્રા નક્ષત્રમાં, વાહન દેડકો, વાયરા સાથે ઝરમર વરસાદ

- ૫.૭.૧૨ થી ૧૮.૭.૧૨ - સુર્ય પુનર્વસુ નક્ષત્રમાં, વાહન ગદર્ભ, વાદળછાયુ વાતાવરણ ખુબ સારો વરસાદ

- ૧૯.૭.૧૨ થી ૧.૮.૧૨ - સુર્ય પુષ્ય નક્ષત્રમાં, વાહન શિયાળ, ખુબ પવન સાથે વરસાદની શક્યતા

- ૨.૮.૧૨ થી ૧૫.૮.૧૨ - સુર્ય આશ્લેષા નક્ષત્રમાં, વાહન મુષક, ગાજવીજ સાથે વરસાદ

- ૧૬.૮.૧૨ થી ૨૯.૮.૧૨ - સુર્ય મઘા નક્ષત્રમાં, વાહન અશ્વ, ખુબ સારો વરસાદ

- ૩૦.૮.૧૨ થી ૧૨.૯.૧૨ - સુર્ય ફાલ્ગુની નક્ષત્રમાં, વાહન મોર, વાદળ રહે મધ્યમ વરસાદ

- ૧૩.૯.૧૨ થી ૨૫.૯.૧૨ - સુર્ય ઉ.ફાલ્ગુની નક્ષત્રમાં, વાહન ગદર્ભ, વાદળ રહે મધ્યમ વરસાદ

- ૨૬.૯.૧૨ થી ૯.૧૦.૧૨ - સુર્ય હસ્ત નક્ષત્રમાં, વાહન દેડકો, વાદળ ગાજવીજ સાથે ઝરમર વરસાદ

- ૧૦.૧૦.૧૨ થી ૨૨.૧૦.૧૨ - સુર્ય ચિત્રા નક્ષત્રમાં, વાહન મુષક, પવન ખુબ રહે પરંતુ વરસાદ નહિવત

- ૨૩.૧૦.૧૨ થી ૫.૧૧.૧૨ - સુર્ય શ્વાતિ નક્ષત્રમાં, વાહન હાથી, સારા વરસાદની શક્યતા

આ સમય બાદ વરસાદ વિદાય લેશે. એકંદરે ગત વર્ષો કરતાં સારા વરસાદની શક્યતાઓ તેમજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તથા ત્યાં પુર આવવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે.