રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:17 IST)

ભાજપમાં પણ કકળાટ શરુ, આશા પટેલ સાથે ઉંઝા APMCના સોદાથી ભાજપમાં બળવો થશે

ભાજપે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો જીતવા રાજકીય સોગઠા ગોઠવ્યાં છે જેના ભાગરુપે નબળી બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો તખ્તો ગોઠવ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ સાથે પણ રાજકીય સોદો કરી કોંગ્રેસમાંથી વિકેટ ખેરવી છે પણ હવે પ્રદેશ નેતાગીરી ભરાઇ છે કેમ કે,પૂર્વ મંત્રી નારણભાઇ લલ્લુભાઇ પટેલે આશા પટેલને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યો છે.એટલું જ નહીં,કમલમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળી એવી રજૂઆત કરી છેકે,જો આશા પટેલના અંગત વ્યક્તિને ઉંઝા એપીએમસીનુ ચેરમેનપદ અપાશે તો,બળવો થશે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય આશા પટેલ હવે ટૂંક જ સમયમાં કેસરિયો ખેસ ધારણ કરે તેમ છે.આ જોતાં વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલનુ પત્તુ કપાવવાનુ લગભગ નિશ્ચિત મનાય છે. આશા પટેલને ભાજપ મહેસાણા લોકસભાની બેઠક પર ચૂંટણી લડાવવા માંગે છે. એટલે કોંગ્રેસ છોડીને ગયેલાં ખજાનચી જીવાભાઇ પટેલની ય ઇચ્છા અધૂરી રહેશે.ભાજપે આશા પટેલના અંગત દિનેશ પટેલને ઉંઝા એપીએમસીના ચેરમેન બનાવવાનુ વચન આપ્યુ છે તે જોતાં પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુએ કમલમના આંટાફેરા શરુ કર્યાં છે. તેઓ દિલ્હી જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ય રજૂઆત કરી આવ્યાં છે. આજે તેઓ મુખ્યમંત્રી વિજય રુપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મળ્યા હતાં. ભાજપના કેટલાંક નેતાઓ નારણ લલ્લુને મનાવવા મથામણ કરી રહ્યાં છે. નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલનો ઉંઝા એપીએમસીમાં ભારે દબદબો છે.હવે આશા પટેલનો ડોળો એપીએમસી પર મંડાયો છે પરિણામે અત્યારથી જ પાટીદારોમાં રાજકીય જંગ શરુ થયો છે. અત્યારે ઉંઝાના રાજકારણમાં એવો ગરમાવો આવ્યો છેકે,પાટીદાર જૂથો આમને સામને છે.આશા પટેલનો પૂરજોશમાં વિરોધ થઇ રહ્યો છે. આ કારણોસર ભાજપના મોવડીમંડળે તો આશા પટેલને કેસરિયો ખેસ પહેરાવવા પર બ્રેક મારી દીધી છે. એટલું જ નહીં,કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ અંદરખાને નુકશાન થાય તેમ છે તેના પગલે ભાજપે રાજકીય ભરતી પર રોક લગાવી દીધી છે. અત્યારે તો આશા પટેલને મહામહેનતે કરાવેલા પક્ષાંતર પર પાણી ફરી વળે તેમ લાગી રહ્યુ છે.