Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 3 જૂન 2008 (20:17 IST)
મોદીના મામલે બિહાર ભાજપામાં આંતરવિગ્રહ
નવી દિલ્હી(ભાષા) બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે આંતર વિગ્રહ સર્જાયો છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશિલ કુમાર મોદીને પદભ્રષ્ટ કરવાની માગણી સાથે ભાજપાના ધારાસભ્યોએ કેન્દ્રીય સંસદીય બોર્ડમાં રજુઆત કરી હતી. જોકે, પાર્ટીની કેન્દ્રીય બોર્ડની વિશેષ બેઠકમાં આ વિષય ઉપર હજી કોઈ નિર્ણય લેવાયો નથી.
પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં અધ્યક્ષ રાજનાથ સિંહને આ બાબતમાં નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. આવતીકાલે ભાજપા પ્રમુખ બિહારના નારાજ ધારાસભ્યો સાથે વાતચીત કરી અંતિમ નિર્ણય પર પહોંચશે તેવુ પાર્ટીના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.
બિહાર ભાજપામાં ભંગાણ પડે તેવી આશંકા બિહાર ભાજપામાં ઊભી તિરાડ પડે તેવી આશંકાના પગલે પાર્ટીના ઉચ્ચ નેતાઓમાં સોપો પડી ગયો છે. નારાજ ધારાસભ્યોની માગણી છે કે, પાર્ટી મોદીને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવે. પરંતુ લોકસભાની ચુંટણી બારણુ ખખડાવી રહી છે, તેવા સમયે વિદ્રોહીયો નેતાઓની વાત માનવી ભાજપા માટે મુશ્કેલ સાબિત થશે તેવુ જાણકારોનુ માનવુ છે.
મોદીનો વિરોધ કેમ છે ?? બિહારમાં મોદી વિરોધીઓનો દાવો છે કે, પ્રદેશમાં પાર્ટીના 55 ધારાસભ્યો પૈકીના 40 જણાં મોદીના વિરોધમાં એકજુટ છે. અસંતુષ્ટ નેતાઓનો આરોપ છે કે, ઉપમુખ્યમંત્રી મોદી મુખ્યમંત્રી નિતીશકુમારના ઈશારે કામ કરી રહ્યા છે. નિતીશકુમારે પાછલા મહિને મંત્રીમંડળમાં કરેલા ફેરફારોમાં ભાજપના બે મંત્રી ચન્દ્રમોહન રાય અને જનાર્દન પ્રસાદ સગરિવાલને હટાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ધારાસભ્ય નંદકિશોર યાદવ તથા અશ્વિની કુમાર ચોબેના વિભાગો બદલી નાંખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આ પગલાથી ભાજપના ધારાસભ્યોમાં અસંતોષ ફેલાયો હતો. જોકે, નિતીશકુમારના પગલા બાદ ધારાસભ્યોએ દોષનો ટોપલો ઉપમુખ્યમંત્રી મોદી ઉપર ઢોળી દીધો છે. આ પરિસ્થીતીમાં ભાજપાના હાઈકમાન્ડ સામે ધર્મસંકટ આવી પડ્યુ છે.