લિઝ ટ્રસ બન્યાં કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા, બ્રિટનનાં નવાં વડાં પ્રધાન
લિઝ ટ્રસ બ્રિટનનાં નવાં વડા પ્રધાન બનશે. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમને પોતાનાં નવાં નેતા ચૂંટી કાઢ્યાં છે. પાર્ટીના સર ગ્રેહામ બ્રેડીએ વેસ્ટમિનિસ્ટરના ક્વીન ઍલિઝાબેથ સેન્ટરમાં આ અંગેની જાહેરાત કરી છે. ટ્રસનો મુકબલો ઋષિ સુનક સાથે હતો. જોકે, ગત કેટલાક દિવસોથી એવો અંદાજ લગાવાઈ રહ્યો હતો કે બહુમતી ટ્રસ સાથે છે.
લિઝ ટ્રસ ભારતીય મૂળના ઋષિ સુનક સામેની સ્પર્ધામાં 80 હજાર કરતાં વધુ મત મળ્યા હતા. લિઝ ટ્રસને કુલ 81,326 અને સુનકને 60,399 મત મળ્યા હતા.
કુલ મતદારો પૈકી 82.6 ટકાએ મતદાન કર્યું હતું.
આમ અંતે લિઝ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનાં લીડરની ચૂંટણી જીત્યાં હતાં.
તેઓ મંગળવારે બાલમોરલ ખાતે બ્રિટનનાં મહારાણી સાથેની મુલાકાત બાદ વડાં પ્રધાન બનશે. જ્યાં તેઓ યુકેમાં સરકાર બનાવવાના આમંત્રણ સંદર્ભે જશે.
સાત વર્ષની ઉંમરે લિઝ ટ્રસે પોતાની સ્કૂલમાં એક મૉક ઇલેક્શન દરમિયાન બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન મારગ્રેટ થેચરની ભૂમિકા ભજવી હતી.
થેચરે 1983માં મોટી બહુમત સાથે જીત હાંસલ કરી હતી પરંતુ ટ્રસ એમ કરી શક્યાં નહોતાં. આ વિશે ઘણાં વર્ષો બાદ વાત કરતાં ટ્રસે કહ્યું, "મેં તકનો લાભ ઉઠાવીને એક ભાવનાત્મક ભાષણ આપ્યું પરંતુ મને એક પણ મત મળ્યો નહોતો. મેં પણ ખુદને મત આપ્યો ન હતો."
39 વર્ષ બાદ તેમને આયર્ન લૅડી થેચરનાં પદચિહ્નો પર ચાલવાની તક મળી છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા અને દેશનાં વડાં પ્રધાન બનશે.
પાર્ટીના સાંસદોના મતદાનના પાંચ રાઉન્ડમાં તેમણે પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને પાછળ છોડી દીધા ત્યારે જાણકારો તેમને વિજેતા તરીકે જોવા લાગ્યા હતા.
તેમણે અલગ-અલગ બેઠકોમાં ઘણા ઍસોસિયેશનો સાથે સારા સંબંધ બનાવ્યા છે.
ઘણા મામલામાં તેઓ એક કન્ઝર્વેટિવ પાર્ટીનાં પારંપરિક સાંસદ કરતાં અલગ રહ્યાં છે.
મૅરી એલિઝાબેથ ટ્રસનો જન્મ 1975માં ઑક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતશાસ્ત્રી અને માતા નર્સ હતાં. ટ્રસ પ્રમાણે તેઓ 'ડાબેરી' હતાં.