શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 જુલાઈ 2018 (12:54 IST)

અમદાવાદમાં વરસાદના વધામણાં, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદનું આગમન થયુ છે. શહેરના એસ.જી. હાઇવે, સેટેલાઇટ, બોડકદેવ, ચાંદખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એસ.જી.હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, સાબરમતી, અખબારનગર, વાડજ, સરખેજ ખાતે વરસાદ ખાબક્યો છે.
 
વહેલી સવારે જ વરસાદ પડતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજ્યભરમાં આગામી બે દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો છે. સુત્રાપાડા અને કોડીનારમાં 8 ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. સુત્રાપાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ જૂનાગઢમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. જૂનાગઢ વાસીઓને રાહ જોવડાવ્યા બાદ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે નોંધાયેલ વરસાદી આંકડા આ પ્રમાણે છે મોડાસા – 66 મી.મી, ધનસુરા – 44 મી.મી, માલપુર – 18 મી.મી, બાયડ – 15 મી.મી, મેઘરજ – 15 મી.મી, ભિલોડા – 06 મી.મી વરસાદ પડયો છે. તેમજ સુત્રપાડામાં 8 ઈંચ, કોડીનારમાં 7 ઈંચ, વેરાવળમાં 65 મી.મી, તાલાલામાં 14 મી.મી, ઉનામાં 37 મી.મી, ગીર ગઢડામાં 75 મી.મી વરસાદ પડતા સુત્રાપાડા અને કોડીનાર નદીઓમાં નવા નીરની આવક વધી છે.